Natural Diamond Market Splits as Lab-Grown Diamonds Reshape the Diamond Industry
(સૌજન્ય : DICS)
- Advertisement -
  • RAPID QUICK LASER SOLUTION
  • DHARMAJ TECHNOLOGIES

DIAMOND CITY NEWS, SURAT

વૈશ્વિક હીરા ઉદ્યોગ હાલના સમયમાં ઇતિહાસના સૌથી મોટા માળખાકીય અને ગંભીર સંકટનો સામનો કરી રહ્યો છે. પ્રયોગશાળામાં તૈયાર થતા હીરા એટલે કે લેબ-ગ્રોન ડાયમંડ્સ (LGD) ના ઝડપી પ્રસારને કારણે કુદરતી (અસલી) હીરાના વેચાણ પર પેરાલાઈઝિંગ (લકવાગ્રસ્ત) જેવી અસર થઈ છે.

બજારના ટોચના વિશ્લેષકો અને ‘બિઝનેસ ઇનસાઇડર’ ના અહેવાલ અનુસાર, હીરા બજારમાં આવી રહેલો આ મોટો બદલાવ કાયમી હોઈ શકે છે, જેણે વર્ષો જૂની હીરાની કિંમત અને પ્રતિષ્ઠાની વ્યાખ્યા બદલી નાખી છે.

કિંમતોમાં ઐતિહાસિક ઘટાડો અને માંગમાં મંદી

ઇન્વેસ્ટમેન્ટ-ગ્રેડ હીરા પર નજર રાખતો ડાયમંડ સ્ટાન્ડર્ડ ઇન્ડેક્સ (The Diamond Standard Index) ચાલુ વર્ષે તેની અત્યાર સુધીની સૌથી નીચલી સપાટીએ પહોંચી ગયો છે. હીરાના ભાવો વર્ષ ૨૦૧૧ ના તેમના પીક (સર્વોચ્ચ) સ્તરથી ૬૮% જેટલા ગગડી ગયા છે.

ડી બીયર્સ (De Beers) ના ડેટા દર્શાવે છે કે, સતત ત્રણ વર્ષના ઘટાડા પછી, વર્ષ ૨૦૨૫ માં વૈશ્વિક સ્તરે કુદરતી હીરાની જ્વેલરીની માંગ સાવ ફ્લેટ (સ્થિર) રહી છે. બીજી તરફ, ૧.૦૫ થી ૧.૦૯ કેરેટના લેબ-ગ્રોન હીરાના વેચાણમાં વાર્ષિક ધોરણે ૩% નો ગ્રોથ નોંધાયો છે.

બજારનું વિભાજન: મોટા હીરા સુરક્ષિત, નાના હીરા પ્રેશરમાં

રેપાપોર્ટ (Rapaport) ના ચીફ એક્ઝિક્યુટિવ ડેન માનોના જણાવ્યા અનુસાર, લેબ-ગ્રોન હીરાની સ્પર્ધા સામે માત્ર મોટા અને અનન્ય (Unique) કુદરતી હીરા જ પોતાની કિંમત જાળવી રાખવામાં સફળ રહ્યા છે.

ટેનોરિસ (Tenoris) ના ડેટા મુજબ, ૨.૫ થી ૨.૭૪ કેરેટના મોટા કુદરતી હીરાના વેચાણમાં ગયા વર્ષે ૧૯% નો ઉછાળો જોવા મળ્યો છે. ૧.૯૯ કેરેટ અને તેથી ઓછી સાઇઝના કુદરતી હીરાના માર્કેટમાં મોટો ઘટાડો આવ્યો છે.

જોકે, ડાયમંડ એનાલિસ્ટ એડન ગોલને ઉમેર્યું કે ફેન્સી કલરના નાના હીરા સારું પ્રદર્શન કરી રહ્યા છે. ખાસ કરીને ‘શેમ્પેઈન’ અને ‘કોગ્નેક’ જેવા આકર્ષક નામોથી વેચાતા બ્રાઉન (કથ્થઈ) કલરના અડધા કેરેટના હીરાનું વેચાણ મે મહિનામાં વાર્ષિક ધોરણે ૨૦૦% વધ્યું છે. આ ઉપરાંત ઓવલ (લંબગોળ) અને માર્ક્વિઝ જેવા એલોન્ગેટેડ આકારોની કિંમતોમાં પણ ૨૫% નો સુધારો થયો છે.

સગાઈની વીંટીઓ પર લેબ-ગ્રોનનો કબજો

કુદરતી હીરા ઉદ્યોગ માટે સૌથી મોટો ફટકો એ છે કે લેબ-ગ્રોન હીરાએ તેના સૌથી મુખ્ય અને લાગણીશીલ ગણાતા ‘એન્ગેજમેન્ટ રિંગ’ ના સેગમેન્ટ પર કબજો જમાવી લીધો છે.

‘ધ નોટ’ (The Knot) ના રિપોર્ટ અનુસાર, ગયા વર્ષે થયેલી કુલ સગાઈઓમાંથી ૬૧% કપલ્સે લેબ-ગ્રોન હીરાની વીંટી ખરીદી છે, જે વર્ષ ૨૦૨૦ ની સરખામણીએ ૨૩૯% નો તોતિંગ વધારો દર્શાવે છે. સસ્તી કિંમતે મોટી સાઇઝ અને ઉત્તમ ક્લેરિટી મળતી હોવાને કારણે યુવા ગ્રાહકો આ તરફ વળ્યા છે.

વૈશ્વિક પડકારો અને હીરાનું ઘટતું મૂલ્ય

વિશ્લેષક પોલ ઝિમ્નિસ્કીના મતે, લેબ-ગ્રોન હીરાના કારણે ગ્રાહકોના મનમાં હીરાની ‘દુર્લભતા અને કિંમતી’ હોવાની માનસિકતા તૂટી રહી છે. આ કટોકટી એવા સમયે આવી છે જ્યારે હીરા ઉદ્યોગ અન્ય મોરચે પણ ઘેરાયેલો છે, જેમ કે, ચીન જેવા મોટા લક્ઝરી માર્કેટમાં આર્થિક મંદી અને માંગમાં ઘટાડો. વૈશ્વિક સ્તરે લગ્નના દરોમાં આવેલો ઘટાડો.

રેપાપોર્ટના સિનિયર એનાલિસ્ટ જોશુઆ ફ્રીડમેને સ્થિતિની ગંભીરતા સમજાવતા કહ્યું કે, “આ કોઈ સામાન્ય આર્થિક ચક્રનો ઉતાર-ચઢાવ નથી. ઉદ્યોગ હવે એ નિષ્કર્ષ પર આવ્યો છે કે આ ડાયમંડ સેક્ટરની અંદર ચાલી રહેલી એક વધુ ઊંડી અને પાયાની કટોકટી છે.”

વૈશ્વિક મંદીની સીધી અસર ભારતના સુરત અને મુંબઈ જેવા કટિંગ અને પોલિશિંગ હબ પર પણ જોવા મળી રહી છે, જ્યાં મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ પોતાના ઉત્પાદનમાં કાપ મૂકવા મજબૂર બન્યા છે.


Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube

- Advertisement -
  • Achromic
  • Siddharth Hair Transplant