આજે સમાજમાં જેવી સામાજિક પ્રતિષ્ઠા સોનાની પ્રતિષ્ઠિત થયેલ છે એવી જ પ્રતિષ્ઠા જ્યારે હિરાની પ્રતિષ્ઠિત થશે ત્યારે તેના સૌથી પહેલા અને મોટા ગ્રાહક લેબગ્રોન હિરાના જ હશે. કારણ કે કક્વૉલિટી અને ગુણધર્મમાં કુદરતી હિરાની સમકક્ષ હોવા છતાં કિંમતમાં લેબગ્રોન હિરા ઘણા સસ્તાં છે.
ઉચ્ચતમ કવૉલિટીવાળા હોવા છતાં અતિ સસ્તાં હોવાને કારણે આવતા દિવસોમાં લેબગ્રોન હિરા સમાજની સામાજિક પ્રતિષ્ઠા જ નહીં પરંતુ મધ્યમ વર્ગના પ્રત્યેક પરિવારમાં હિરા ખરીદવા એ એક ફરજ બની જશે.
જ્યારે સમાજમાં આવું વાતાવરણ બનશે ત્યારે પ્રત્યેક પરિવારોમાં સાંભળવા મળશે કે મારે ત્યાં સામાજિક પ્રસંગ આવવાનો હોવાથી હિરાના આટલા દાગીના તો મારે ખરીદવા જ પડશે.
જે પરિવાર કે વ્યક્તિ દ્વારા પોતાની પત્ની, પુત્રી, જમાઈ, પુત્રવધુ, બેન કે બનેવીને જ્યારે ભેટ કે પહેરામણીમાં હિરાના દાગીના આપવામાં આવશે ત્યારે તે વ્યક્તિ કે પરિવાર સામાજિક પ્રતિષ્ઠા પામ્યાનો અહેસાસ કરશે.
જ્યારે સમાજમાં આવું વાતાવરણ બનશે ત્યારે લેબગ્રોન હીરાના વ્યવસાયમાં ક્રાંતિકારી વિસ્ફોટ થશે. વહેલો કે મોડો આ દિવસ આવશે જ એ વાત સો ટકા નક્કી છે.
આવું બનવાનું વધારે અનુકુળ હવે એ બન્યું છે કે હિરા અને સોનાના ભાવનું અંતર રોજે રોજ ઓછુ થતું જાય છે. માટે જ સોનાની સાથે લેબગ્રોન હિરાની મજબુત જુગલબંધી બને તે માટે હિરાના વ્યાપારીઓએ યોજનાપૂર્વક પ્રયત્નો કરવા પડશે.
લેબગ્રોન હિરાની ક્રાંતિ કેવી હશે? જ્યારે લેબગ્રોન હિરાને સોના જેવી જ સામાજિક પ્રતિષ્ઠા મળશે ત્યારે લેબગ્રોન હિરાનું ગ્રોઈંગ, મેન્યુફેક્ચરીંગ, તૈયાર હિરાનો વેપાર, જવેલરી મેન્યુફેક્ચરીંગ અને જ્વેલરીના વેચાણની સ્થિતી કેવી હશે તેનું અનુમાન કરવું બહુ અઘરું નથી.
અનુમાન કરવું અઘરું એટલે નથી કે દિવા જેવું ભવ્ય પરિણામ સામે જ દેખાય છે. જેમ કુરૂક્ષેત્રના મેદાનમાં લડાતા પાંડવ કૌરવના યુદ્ધનું ચિત્ર યુદ્ધક્ષેત્રથી અત્યંત દૂર બેઠેલાં સંજયને સ્પષ્ટ દેખાતું હતું તેમ.
આત્મવિશ્વાસપૂર્વક આવી સફળતાની આગાહી અર્થાત્ અનુમાન આપણાથી એટલે કરી શકાય કે આ સફળતાનું બીજ લેબગ્રોન હિરાની સ્વયં સ્પષ્ટ ક્વૉલિટી અને કિંમતમાં પડ્યું છે તે સ્પષ્ટ જોઈ શકાય છે.
હવે જાણીએ લેબગ્રોન હિરાને જ્યારે સામાજિક પ્રતિષ્ઠા મળશે ત્યારે લેબગ્રોન હિરા ઉદ્યોગની સ્થિતી કેવી હશે તેનો મન વાંચ્યો અહેવાલ.
જ્યારે લેબગ્રોન હિરાને સોનાની સાથો સાથ સોના જેવી જ સામાજિક પ્રતિષ્ઠા મળશે ત્યારે સુરત સહિત સમગ્ર ગુજરાતમાં લેબગ્રોન હિરા ગ્રો કરવાના અનેક યુનિટો ચાલતા હશે.
લેબગ્રોન હિરા ગ્રો કરવાની લેબમાં વપરાતી મોટાભાગની વીજળી સોલાર અથવા અન્ય બીનપરંપરાગત સ્ત્રોતોમાંથી ઉત્પન્ન થતી હશે, એટલે કે લેબગ્રોન હિરો સંપૂર્ણ “ગ્રીન” પ્રોડક્ટ કહેવાતો હશે. લેબગ્રોન હિરા ગ્રો કરવાના નાના યુનિટો મોટા તોતિંગ યુનિટો સામે ટકી રહેવા જીવ સચોટનો સંઘર્ષ કરી રહ્યા હશે.
લેબગ્રોન હિરા ગ્રો કરવાના યુનિટોમાં હજારો માણસો રોજગારી મેળવી રહ્યા હશે. ટેકનોલોજી એટલી અપગ્રેડ થયેલ હશે કે લેબગ્રોન હિરા ગ્રો થવાની સાયકલ હાલ કરતાં એકદમ ટુંકી હશે.
ટેકનિકલ એવી ઍડ્વાન્સ ટેક્નોલૉજી આવવાની પણ સંભાવના છે કે જેમાં ચોક્કસ આકારના હિરા ગ્રો થઈ શકશે. આ સ્થિતી હશે લેબમાં લેબગ્રોન હિરા ગ્રો કરવાની.
હવે અનુમાન એ કરીએ કે લેબમાં તૈયાર થયેલા કાચા હિરાના વેપારની સ્થિતી કેવી હશે ? કાચા લેબગ્રોન હિરાના વેપારનું વિશ્વવ્યાપી કેન્દ્ર સુરત હશે. લેબગ્રોન કાચા હિરાના વેપાર અને પ્રોસેસમાં લાખો લોકો સંકળાયેલા હશે.
લેબગ્રોન હિરા ઘસવાનું સૌથી મોટું કેન્દ્ર સુરત એટલે નહીં રહે કે સુરતના સામાન્ય જીવન ધોરણના ખર્ચા કાઢી શકે તેટલી રત્નકલાકારોને તેમાં રોજગારી મળવાની સંભાવના ઓછી દેખાય છે.
સુરતમાં લેબગ્રોન હિરા ઘસવાનું કાર્ય ભલે ઓછુ હશે પરંતુ જયાં સુધી ચોક્કસ આકાર મુજબના લેબગ્રોન હિરા લેબમાં ગ્રો નહીં થાય ત્યાં સુધી ફોર-પી યુનિટો અને જાડા હિરા ઘસવાનું કામ સુરતમાં જ ચાલતું રહેશે.
સુરતમાં ચાલતા ફોર-પી યુનિટોમાં પણ હજારો લોકો રોજગારી મેળવી રહ્યા હશે. ફોર-પી થયેલા લેબગ્રોન હિરાને ઘસવા નાના નાના ગામડાઓમાં ઘરે ઘરે ઘરઘંટી જેવા હિરા ઘસવાના યુનિટ શરૂ થશે.
ગામડાઓમાં ચાલતાં હિરા ઘસવાના ઘરઘંટી યુનિટોમાં લાખો લોકો ઘેર બેઠા રોજગારી મેળવતા હશે. હિરા ઘસવાના ગામડામાં ચાલતા આવા ઘરઘંટી યુનિટોમાં સૌથી વધારે રોજગારી મેળવતી સંખ્યા બહેનોની જ હશે.
આ સ્થિતી થવાથી હિરા ઘસવાનો રોજગાર શહેરો કેન્દ્રિત ન રહેતા ગામડાઓમાં વિકેન્દ્રિત થતા ગામડા સમૃદ્ધ થશે અને શહેરો પર ભારણ ઘટતા તેને શ્વાસ લેવાની જગ્યા મળશે.
સવાલ એ પણ થાય કે એવું તો કયું કારણ છે કે લેબગ્રોન હિરા ઘસવાની રોજગારી ગામડાઓમાં વિકેન્દ્રિત થશે?
ગામડાઓમાં ઘરે ઘરે હિરા ઘસવાના ઘરઘંટી યુનિટો ચાલુ થવાનું સૌથી મોટું કારણ એ હશે કે નાની સાઈઝના લેબગ્રોન અથવા સી.વી.ડી હિરા સસ્તાં અને સમાન ક્વૉલિટીના હોવાથી વેઈટ લોસ અને બદલો મારવાની તેમાં ચિંતા ન હોવાથી ગુજરાતના આદિવાસી સહિત સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ગામડાઓ લેબગ્રોન હિરા ઘસવાના ઘરઘંટી યુનિટોથી ધમધમતા હશે.
ગામડાઓ લેબગ્રોન હિરા ઘસવાના ઘરઘંટી યુનિટોથી ધમધમતા એટલે પણ હશે કે શહેરમાં કામ કરતા કારીગરને જે આવક ઓછી લાગે તે ગામડામાં ઠીક ઠીક લાગતી હોય છે.
લોકોને એટલી આવક ગામડામાં ઠીક ઠીક એટલે લાગશે કે એક જ પરિવારના એક કરતા વધારે સભ્યો પોતાના ઘરે બેસી હિરા ઘસવાનું એક ઘંટીનું યુનિટ ચલાવતા હોવાથી યુનિટના ભાડા વગેરેનો ખર્ચ બચતા મજૂરીના સ્વરૂપે તેઓ સો ટકા રકમ બચાવી શકશે.
ગામડાઓમાં લેબગ્રોન હિરા ઘસાવવા માટે તાલુકા સેન્ટરો પર ફોર-પી થયેલ લેબગ્રોન હિરા સપ્લાય કરવામાં હજારો લોકો રોજગારી મેળવતા હશે.
લેબગ્રોન હિરા ઘસવામાં લાખો લોકોને રોજગારી મળવા ઉપરાંત લેબગ્રોન ડાયમંડની જવેલરીને ખૂબ મોટો બૂસ્ટ મળવાની પુરી સંભાવના હોવાથી સુરત સમગ્ર દુનિયાનું સૌથી મોટું રીયલ ડાયમંડની સાથો સાથ લેબગ્રોન ડાયમંડ જ્વેલરી મેન્યુફેક્ચરીંગનું પણ હબ બનવાની પુરી સંભાવના છે.
રીયલ અને લેબગ્રોન ડાયમંડ જવેલરી મેન્યુફેક્ચરીંગમાં પણ લાખોની સંખ્યામાં લોકો રોજગારી મેળવતા હશે, જેમાં બહેનોની સંખ્યા ઘણી વધારે હશે.
રીયલ અને લેબગ્રોન હિરાની જવેલરીનું ઉત્પાદન વધવાથી આજે સુરતની આસપાસ જેટલા ટેક્સટાઈલ પાર્ક નજરે પડે છે એટલા તો નહીં પરંતુ આવતા દિવસોમાં સુરતમાં જ્વેલરી પાર્કની સંખ્યા નાની સુની તો નહીં જ હોય.
ડાયમંડ જ્વેલરીનું બમ્પર ઉત્પાદન થતા તે જ્વેલરીના વેચાણ માટે દેશના નાના મોટા તમામ શહેરોના મધ્યમ વર્ગીય વિસ્તારોમાં ચાલતા તમામ મોટા જનરલ સ્ટોર્સમાં લેબગ્રોન હિરાના દાગીના વેચવાના અલગથી કાઉન્ટર મૂકવામાં આવશે.
ઉપરાંત ઓનલાઈન વેચાણની જે બોલ બાલા છે તેનો પણ લેબગ્રોન જવેલરીના વેચાણ માટે મોટા પ્રમાણમાં ઉપયોગ થશે. એટલું જ નહીં સુરતમાં તૈયાર થતી લેબગ્રોન હિરાની જ્વેલરી સમગ્ર દુનિયામાં નિકાસ પણ થતી હશે.
જરૂરી નથી કે લેબગ્રોન હિરાની જવેલરી માત્ર સોના સાથે જ જુગલબંધી કરતી હશે, લેબગ્રોન હિરાની મજબુત જુગલબંધી સોનાની સાથોસાથ ચાંદી અને પ્લૅટિનમ સાથે પણ એટલી જ જામેલી હશે ! આ અનુમાન હવાઈ કિલ્લા પર નહીં ધરતી પર બેસીને કરવામાં આવ્યું છે.
કોઈ કંપની પોતાના ઓવર ઉત્પાદિત માલના બમ્પર વેચાણ માટે આકર્ષક ઓફર સાથે શરતો લાગુની ફૂદડી મૂકે તેવી જ ફૂદડી હું પણ મુકું કે શરતો લાગુ. શરત એ કે લેબગ્રોન હિરા ઉદ્યોગના વિકાસ માટે સરકારની અનુકૂળ પોલીસી, જરૂરી માળખાકીય સુવિધા અને સલામતી હોવી જોઈએ.
આટલો સહયોગ જો સરકારનો હશે તો લેબગ્રોન હિરા ઉદ્યોગ અને ઉદ્યોગકારોમાં એટલી ક્ષમતા તો છે જ કે તે બાકીનો બધો જ ભાર પોતાની ઉપર ઉપાડી શકે.
આવી પરિવર્તનની ક્રાંતિ ક્યાંય થયેલા છે ખરી? :
હિરા ઉદ્યોગમાં સમૂળગું કહી શકાય એવું ઘરમુળથી પરિવર્તન આવશે એવું હવા હવાઈ જેવું અનુમાનિત ક્રાંતિનું જ્યારે અનુમાન કરવામાં આવ્યું છે ત્યારે એ સવાલ થવો સ્વાભાવિક છે કે આવું પરિવર્તન થયાનું કોઈ ઉદાહરણ છે ખરું?
એક નહીં દુનિયામાં આવા તો અનેક ઉદાહરણ છે પરંતુ આખી દુનિયામાં ન જતા આપણી નજર સામે જ આપણા જ સુરત શહેરમાં સિન્થેટીક કાપડ ઉદ્યોગમાં આવેલું ક્રાંતિકારી પરિવર્તન શું ઓછુ વિશ્વાસ પ્રેરક છે?
સને ૧૯૭૦ના દાયકા પહેલા સુરતના સિમીત વિસ્તારમાં ગૃહઉદ્યોગ તરીકે અમુક ઘરમાં ખટાખટ કરતા કાપડ ઉત્પાદનના સાદા સંચાએ આજે કેવું વિરાટ સ્વરૂપ લીધું તે કહેવાનો નહીં વાસ્તવિક અનુભવનો વિષય બન્યો છે.
કોણે અનુમાન કર્યું હતું કે, રીંગરોડ વિસ્તારમાં એક એક માર્કેટમાં નાના શહેરોની વસ્તી જેવડી એક નહીં અસંખ્ય સંખ્યામાં તોતિંગ ટેક્સટાઈલ માર્કેટ્સ બનશે?
કોણે અનુમાન કર્યું હતું કે, રીંગરોડ અને સલાબતપુરા વિસ્તાર નાનો પડવાથી ટેક્સટાઈલ માર્કેટસને સમગ્ર કડોદરા રોડ અને ડિંડોલી વિસ્તારમાં વિસ્તાર કરવો પડશે? કોણે અનુમાન કર્યું હતું કે સમગ્ર દેશમાં સિન્થેટીક કાપડનું વેપાર અને ઉત્પાદનનું સૌથી મોટું કેન્દ્ર સુરત બનશે?
કોણે અનુમાન કર્યું હતું કે, દરિયા બાજુ બાદ કરતા સુરતની તમામ દિશાઓમાં પચાસ કિલોમીટરથી વધારે દૂર સુધી ટેક્સટાઈલના સામુહીક યુનિટો રાત દિવસ ધમધમતા હશે?
કોણે અનુમાન કર્યું હતું કે, સમગ્ર સુરતના સામાન્ય વર્ગના તમામ ઘરમાં ધાગા કટિંગ, ટીકા ટાંકવા, કુર્તી સિલાઈ વગેરે કામ કરીને લાખો બહેનો ઘર બેઠા રોજી મેળવતી હશે?
કોણે અનુમાન કર્યું હતું કે, સૌરાષ્ટ્ર તરફ જતી સેંકડો લક્ઝરી બસોમાં માણસોની સાથો સાથ કાપડના એવા પોટલા પણ આવતા અને જતા હશે કે જે ગામડાઓમાં રોજીરોટીનું માધ્યમ બન્યા છે?
આપણી નજર સામે જ સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગમાં આવેલ આ ક્રાંતિકારી પરિવર્તનના આપણે જ્યારે સાક્ષી અને સહભાગી બંને બન્યા છીએ ત્યારે થયેલા કોઈ ક્રાંતિકારી પરિવર્તનને બહાર શોધવાની જરૂર જ કયાં છે?
આટલું જાણ્યા પછી હવે લેબગ્રોન હિરા ઉદ્યોગમાં ક્રાંતિ થવામાં જો કોઈને શંકા હોય તો સાદ પાડીને જરૂર કહેજો કે હજી પણ આ વાત મારી સમજણમાં આવતી નથી?
લેબગ્રોન હિરા ઉદ્યોગના અત્યંત ઉજળા ભવિષ્ય બાબત જ્યારે કોઈ ચિંતા જ નથી ત્યારે સવાલ એ છે કે, કુદરતી હિરા ઉદ્યોગ સાથે સંકળાયેલા હાલનાં વ્યવસાયીકોનું આ પરિવર્તનના સમયે સ્થાન કેવું હશે? કુદરતી હિરાના મોટા વ્યવસાયીકોની મીઠી મૂંઝવણ : એવું કોણ સ્વીકારશે કે મૂંઝવણ પણ મીઠી હોય શકે છે?
(વધુ આવતા અંકે)
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube






















