DIAMOND CITY NEWS, SURAT
ઝવેરાત અને હીરા ઉદ્યોગમાં મહિલાઓની ભાગીદારી વધારવા તેમજ તેમની સુરક્ષા અને સ્વાવલંબન માટે ‘જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ’ (GJEPC) દ્વારા સુરતમાં ‘ઉન્નતિ’ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત અગ્રણીઓ દ્વારા હીરા ઉદ્યોગ સાથે જોડાયેલી બહેનો માટે મહત્વપૂર્ણ જાહેરાતો અને પ્રોત્સાહક સંદેશાઓ આપવામાં આવ્યા હતા.
મહિલાઓ માટે ₹1 લાખનો મફત મેડિકલ વીમો
GJEPC દ્વારા ‘પરિચય કાર્ડ’ ધરાવતી આશરે 1,000 રત્નકલાકાર બહેનોને પ્રથમ તબક્કામાં ₹1 લાખનો મેડિકલ વીમો સંપૂર્ણપણે મફત આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ વીમા યોજના હેઠળ બહેનો દેશની અગ્રણી હોસ્પિટલોમાં નિઃશુલ્ક સારવાર મેળવી શકશે. સંસ્થા દ્વારા તમામ પાત્ર મહિલા કારીગરોને આ યોજનાનો લાભ લેવા માટે નોંધણી કરાવવા અપીલ કરવામાં આવી છે.
WICCI સુરત ચેપ્ટરનો પૂર્ણ સહયોગ અને પ્રેરણાદાયી સંદેશ
કાર્યક્રમમાં WICCI (Women’s Indian Chamber of Commerce and Industry) સુરત ચેપ્ટરના પ્રતિનિધિ ફોરમ મારફતિયાએ સંસ્થા તરફથી ‘ઉન્નતિ’ કાર્યક્રમને સંપૂર્ણ સમર્થન જાહેર કર્યું હતું. તેમણે ઉપસ્થિત મહિલાઓ અને દીકરીઓને કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવીને પોતાનું ભવિષ્ય અને કરિયર બનાવવા આહ્વાન કર્યું હતું.
તેમણે જણાવ્યું હતું કે, સુરતને ગ્લોબલ સ્તરે ઓળખ અપાવનાર ડાયમંડ અને જ્વેલરી ઇન્ડસ્ટ્રીમાં મહિલાઓને આગળ લાવવા માટે WICCI દ્વારા ફ્રી ટ્રેનિંગ અને ફ્રી જોબની તકો પૂરી પાડવામાં આવશે. તેમણે દીકરીઓને પ્રોત્સાહિત કરતાં કહ્યું કે, “લોકો તમને જજ કરશે કે દબાવવાનો પ્રયાસ કરશે, પરંતુ તમે પોતે જ તમારી ઓળખ બનાવો છો, તેથી તમારી જાતને એટલી સક્ષમ બનાવો કે આગામી સમયમાં તમે પણ આ મંચ પર આવીને અન્ય માટે પ્રેરણા બની શકો.”
નોકરી છોડી પોતાનો બિઝનેસ શરૂ કરવા આહ્વાન અને અમૂલનું ઉદાહરણ
કાર્યક્રમ દરમિયાન વક્તાઓએ નવી પેઢી અને મહિલાઓને અન્યના કારખાનામાં કામ કરવાને બદલે નાનાં પાયે પણ પોતાનો સ્વતંત્ર વ્યવસાય કે બ્રાન્ડ શરૂ કરવા આગ્રહ કર્યો હતો. અમૂલનું ઉદાહરણ આપતાં જણાવવામાં આવ્યું હતું કે, જેમ ગામડાની બહેનોએ એકઠા થઈને દેશની સૌથી મોટી સહકારી સંસ્થા ઊભી કરી, તેમ જ્વેલરી ક્ષેત્રે પણ બહેનો એક થઈને પોતાનો વ્યવસાય શરૂ કરી શકે છે. આ માટે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને GJEPC તરફથી તમામ આર્થિક અને તકનીકી સહયોગ આપવાની ખાતરી આપવામાં આવી હતી.
650થી વધુ દીકરીઓને મફત તાલીમ અને રોજગારીનો સંકલ્પ
‘ઉન્નતિ’ પહેલ હેઠળ વર્ષ 2031 સુધીમાં હીરા અને ઝવેરાત ઉદ્યોગમાં મહિલાઓની ભાગીદારી 50%થી વધુ સુધી લઈ જવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. આ દિશામાં આગળ વધતાં ઉદ્યોગપતિઓ દ્વારા 650થી વધુ દીકરીઓને નિઃશુલ્ક તાલીમ આપીને ઉદ્યોગમાં રોજગારી આપવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે.
‘મેક ઇન ઇન્ડિયા‘ અને ‘બ્રાન્ડ ઇન્ડિયા‘નું સ્વપ્ન
ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રીની ઉપસ્થિતિના સંસ્મરણો વાગોળતાં જણાવવામાં આવ્યું હતું કે, આવનારા સમયમાં લેબગ્રોન ડાયમંડ બનાવવાની મશીનરીથી લઈને કટિંગ, પોલિશિંગ અને જ્વેલરી ડિઝાઇનિંગનું તમામ કામ ભારત અને ગુજરાતમાં જ થશે. આ દાગીના વૈશ્વિક સ્તરે ‘બ્રાન્ડ ઇન્ડિયા’ તરીકે ઓળખાશે. આ ઉપરાંત, GJEPC દ્વારા બોસ્ટન કન્સલ્ટિંગ ગ્રૂપ (BCG)ના સહયોગથી ભારતનું જ્વેલરી એક્સપોર્ટ 30 બિલિયન ડોલરથી વધારીને 100 બિલિયન ડોલર સુધી પહોંચાડવાનો રોડમેપ તૈયાર કરવામાં આવી રહ્યો છે.
કાર્યક્રમના મુખ્ય આકર્ષણો અને મહાનુભાવો :
- વડાપ્રધાનનો શુભેચ્છા સંદેશ : કાર્યક્રમની સફળતા માટે વડાપ્રધાન કાર્યાલય (PMO) તરફથી ખાસ શુભેચ્છા સંદેશ પાઠવવામાં આવ્યો હતો.
- ઉપસ્થિતિ : ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી, રાજ્યસભા સાંસદ ગોવિંદભાઈ ધોળકિયા, GJEPCના ચેરમેન કિરિટ ભણસાલી, ગુજરાત પ્રાદેશિક અધ્યક્ષ વિજય માંગુકિયા, જયંતિભાઈ સાવલિયા, મુકેશભાઈ પટેલ, સેવંતીભાઈ શાહ, WICCI સુરત ચેપ્ટરના હોદ્દેદારો (ડૉ. રિંકલ ઝરીવાલા, પૂર્વી દલાલ, રીના મેમ, ચૈતાલી મેમ) તેમજ મોટી સંખ્યામાં ઉદ્યોગ અગ્રણીઓ અને મહિલા કારીગરો ઉપસ્થિત રહ્યા હતા.
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube
























