DIAMOND CITY NEWS, SURAT
વૈશ્વિક હીરા વેપાર માટે ૧૯૮૦થી વિશ્વસનીય બુલિટિન તરીકે ઓળખાતી રિપોર્ટના ૬ ઓગસ્ટ, ૨૦૨૬ના અહેવાલ મુજબ, વૈશ્વિક હીરા બજારમાં ઉત્સાહજનક વાતાવરણ સર્જાયું છે.
ભારતમાં યોજાયેલા ઈન્ડિયા ઈન્ટરનેશનલ જ્વેલરી શો (IIJS) ના કારણે સ્થાનિક બજારમાં માંગમાં મોટો સુધારો જોવા મળ્યો છે અને એકંદર વેપારી સેન્ટિમેન્ટ મજબૂત બન્યું છે.
જુલાઈ મહિનામાં રેપાપોર્ટ ડાયમંડ પ્રાઇસ ઇન્ડેક્સ (RAPI) અનુસાર, ૦.૩૦ કેરેટના હીરામાં +૧.૬% અને ૦.૫૦ કેરેટના હીરામાં +૧.૮% નો સુધારો નોંધાયો છે. સૌથી મહત્વની બાબત એ છે કે ૧ કેરેટના RAPI માં છેલ્લા ૧૩ મહિનાથી ચાલી આવતી સતત ઘટાડાની પ્રક્રિયાને વિરામ મળ્યો છે.
ગયા વર્ષે જે કેટેગરીના હીરાના ભાવોમાં ભારે ઘટાડો નોંધાયો હતો, ત્યાં હવે ઈન્વેન્ટરી કટ (સ્ટોકમાં ઘટાડો) થવાને કારણે ભાવો વધી રહ્યા છે. ફેન્સી શેપ્સની સરખામણીએ રાઉન્ડ કટ હીરામાં વધુ મજબૂત ભાવ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. અમેરિકાના મુખ્ય જ્વેલરી બાયર્સ આગામી ફેસ્ટિવલ સિઝનને ધ્યાનમાં રાખીને વહેલી તકે સ્ટોક એકત્રિત કરી રહ્યા છે.
આ સાથે પ્રિન્સેસ કટ ડાયમંડની માંગમાં પણ પુનરાગમન થઈ રહ્યું છે. ખરીદદારો હવે નીચી કલર અને ક્લેરિટી સ્વીકારી રહ્યા છે, પરંતુ તેઓ આઈ-ક્લીન અને શ્રેષ્ઠ પ્રોપોપોશન પર ભાર મૂકી રહ્યા છે.
આ ઉપરાંત, ભારતમાં રફ ડાયમંડના વેચાણ પર સૂચિત કર મુક્તિ જો અમલી બનશે, તો સ્થાનિક વેપારને મોટો બુસ્ટ મળશે. એંગ્લો અમેરિકન કંપનીના જણાવ્યા મુજબ, ડી બીયર્સની ખરીદીની રેસમાં એકથી વધુ બોલીદાતાઓ સામે આવ્યા છે. બીજી તરફ, વિયેટનામમાં સામે આવેલા ગ્રેડિંગ સ્કેમના અહેવાલોથી ત્યાંના સ્થાનીય બજારની માંગમાં ઘટાડો થયો છે.
ફેન્સી શેપ્સનું પ્રદર્શન
૨ કેરેટ અને તેથી મોટા સાઈઝના હીરામાં ઓવલ, માર્ક્વિઝ અને એમરાલ્ડ જેવા લાંબા ફેન્સી શેપ્સનું પ્રદર્શન રાઉન્ડ ડાયમંડ કરતાં વધુ સારું રહ્યું છે.
- અછત અને પ્રીમિયમ : ઉચ્ચ ગુણવત્તા વાળા માર્ક્વિઝ, લોંગ રેડિયન્ટ્સ અને લોંગ ક્યુશન્સની બજારમાં ભારે અછત વર્તાઈ રહી છે. હાલમાં માર્ક્વિઝ સૌથી મોંઘો ફેન્સી શેપ બની ગયો છે.
- ક્યુશન અને પ્રિન્સેસ : લોંગ ક્યુશન્સ ખૂબ જ ઝડપથી વેચાઈ રહ્યા છે અને ચોરસ ક્યુશન્સની તુલનામાં ૨૦% થી ૨૫% ના પ્રીમિયમ ભાવે ટ્રેડ થઈ રહ્યા છે. લાંબા સમયની નબળાઈ બાદ પ્રિન્સેસ કટની માંગ વધી છે, જોકે ભાવો હજુ પણ નીચલા સ્તરે છે.
- એન્ટિક અને એલોન્ગેટેડ ઓવલ્સ : એન્ટિક કટ્સ અને ક્લાસિક સ્ટાઈલ્સ ભારે હોટ ડિમાન્ડમાં છે. અમેરિકી બજારમાં D-I કલર અને VS-SI ક્લેરિટીમાં સારા શેપ અને ગુણવત્તાવાળા એલોન્ગેટેડ ઓવલ્સની મજબૂત માંગ છે.
- પ્રોપોશનનું મહત્વ : ખૂબ જ ઉત્કૃષ્ટ કટ ધરાવતા ફેન્સી શેપ્સ મળવા મુશ્કેલ છે અને તે ઊંચા પ્રીમિયમ મેળવી રહ્યા છે, જ્યારે ખરાબ પ્રોપોશન ધરાવતા ફેન્સી હીરા વેચવામાં મુશ્કેલી પડી રહી છે.
વૈશ્વિક દેશોનું બજાર વિશ્લેષણ
યુનાઇટેડ સ્ટેટ્સ : યુ.એસ. માર્કેટમાં ઉત્સાહજનક માહોલ છે. હોલિડે સિઝનની માંગ સામાન્ય કરતાં વહેલી શરૂ થઈ ગઈ છે. મોટા જ્વેલરી ચેઈન સ્ટોર્સ વહેલી ખરીદી કરી રહ્યા છે, કારણ કે તેમને ભય છે કે બાદમાં માંગ વાળા માલની અછત સર્જાશે. ઓલ્ડ યુરો અને ઓલ્ડ માઈન્સ કટ્સ તમામ સાઈઝમાં વેચાઈ રહ્યા છે.
૨ કેરેટ અને તેથી મોટા ઓવલ્સ સારા ટ્રેડ થઈ રહ્યા છે. G-H કલર અને VS-SI ક્લેરિટીમાં પ્રિન્સેસ કટ્સ કમબેક કરી રહ્યા છે. રાઉન્ડ ૦.૫૦ કેરેટ મેળવવો મુશ્કેલ બન્યો છે; ઓર્ડર પૂરા કરવા ખરીદદારો ફ્લોરોસન્સ વાળા હીરા પણ સ્વીકારી રહ્યા છે. ભાવો વધુ આકર્ષક બનતાં ૧ કેરેટના નેચરલ ડાયમંડ હવે સિન્થેટિક્સ સાથે વધુ સારી સ્પર્ધા કરી રહ્યા છે.
બેલ્જિયમ : ઉનાળાના વેકેશનના કારણે બેલ્જિયમનું હીરા બજાર શાંત છે. ડાયમંડ સેક્ટર ૧૭ ઓગસ્ટ સુધી અધિકૃત રીતે રજાના મોડમાં છે.
ઈઝરાયેલ : ઉનાળા દરમિયાન બજારમાં સુસ્તી જોવા મળી રહી છે. વેપારીઓનું સેન્ટિમેન્ટ અને પ્રવૃત્તિ નીચલા સ્તરે છે.
ભારત : IIJS શોના પ્રારંભ સાથે જ ભારતીય બજારમાં પોઝિટિવ માહોલ છે. પ્રદર્શન પહેલા જ ખરીદદારો સ્ટોક એકત્રિત કરવામાં સક્રિય હતા. ત્રણ વર્ષની મંદી પછી, કુદરતી હીરામાં આવી રહેલા સુધારાનો ઉદ્યોગ સાવચેતીપૂર્વક આનંદ માણી રહ્યો છે — ખાસ કરીને નાની સાઈઝમાં, જે લાંબા સમયથી ધીમી હતી.
રાઉન્ડ ૦.૩૦ થી ૦.૬૯ કેરેટમાં સુધારો થઈ રહ્યો છે, ૦.૭૦ થી ૦.૮૯ કેરેટ સ્થિર છે, જ્યારે ૦.૯૦ થી ૧.૪૯ કેરેટ ક્ષેત્રે હજુ અનિશ્ચિતતા છે. ૨ કેરેટ અને તેથી મોટા હીરાનું બજાર મજબૂત છે. ઉત્પાદકો સાવચેત હોવાથી પુરવઠો મર્યાદિત છે.
હોંગકોંગ : ડીલરો માત્ર કન્ફર્મ થયેલા ઓર્ડર સામે જ ખરીદી કરી રહ્યા છે અને ઓછો સ્ટોક રાખી રહ્યા છે. હાઈ-એન્ડ લક્ઝરી અને સંપત્તિ સુરક્ષિત કરવાના હેતુથી રાઉન્ડ ૩ કેરેટ અને તેથી મોટા, D-F કલર અને IF-VVS2 ક્લેરિટીના હીરાની માંગ છે. ચીનનું બજાર ઉનાળામાં શાંત છે, જ્યાં ૧ થી ૨ કેરેટ, G-J કલર, VS-SI ક્લેરિટીના રાઉન્ડ અને ઓવલ્સ પર મર્યાદિત ખરીદી કેન્દ્રિત છે.
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube




















