દેશમાં 42 હજાર એકમધારકો બીઆઈએસનું લાઈસન્સ ધરાવે છે

સુરતમાં 1210 જેટલા BIS લાઈસન્સ ધારકો અને 3034 જેટલા હોલમાર્ક ધારક જ્વેલર્સ, 30 હજારથી વધુ ઉત્પાદનો માટે BIS પ્રમાણીકરણ કરવામાં આવે છે.

42 thousand unit holders have BIS license in the country
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE-SIDDHI-VINAYAK-LASER-FEATURED
  • NAROLA MACHINES

DIAMOND CITY NEWS, SURAT

વિશ્વમાં દર વર્ષે તા. 14 ઓક્ટોબરના રોજ ‘આંતરરાષ્ટ્રીય માનક દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે. ભારતમાં ઉત્પાદનની ગુણવત્તા સુધારવામાં અને પર્યાવરણ સામેના પડકારોને પહોંચી વળવામાં બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ (BIS) ચાવીરૂપ ભૂમિકા ભજવે છે.

બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડની કામગીરી અને કાર્યપ્રણાલી અંગે સિનિયર ડિરેક્ટર અને હેડ (સુરત એકમ)ના એસ.કે. સિંહે કહે છે કે, સુરતમાં 1210 જેટલા BIS લાઈસન્સ ધારકો અને 3034 જેટલા હોલમાર્કધારકો છે, જ્યારે દેશભરમાં BIS લાઈસન્સની સંખ્યા ધરાવતા 40 હજાર એકમો છે. 30,000થી વધુ ઔદ્યોગિક ઉત્પાદનો માટે BIS પ્રમાણીકરણ કરવામાં આવે છે.

સુરતની BIS શાખા કચેરી દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લાઓ તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણને તેમજ મહારાષ્ટ્રના ધુલિયા અને નંદુરબાર માટે પ્રમાણીકરણની કામગીરી કરે છે. સુરત શહેર ખાતે BISની કચેરી, પહેલો માળ, દૂરસંચાર ભવન, ઘોડદોડ રોડ ખાતે કાર્યરત છે. બી.આઈ.એસ. દ્વારા સિવિલ એન્જિનિયર, ઇલકટ્રોનિકસ, એગ્રીકલ્ચરલ, મેડિકલના સાધનો, પેટ્રોલિયમ ઉત્પાદનો, સર્વિસ સેક્ટર, ટેક્સટાઈલ ડિપાર્ટમેન્ટ, વોટર રિસોર્સ જેવા અનેક ક્ષેત્રોની વસ્તુઓને બી.આઈ.એસ. હોલમાર્ક હેઠળ આવરી લેવામાં આવી છે.

એસ.કે. સિંહે વધુમાં કહ્યું કે, 2023ના વર્ષમાં ‘બહેતર વિશ્વ માટે સહભાગી દ્રષ્ટિકોણ’ની થીમ પર ઉજવણી કરવામાં આવી રહી છે. તા. ૧૪મી ઓક્ટોબરના રોજ હોટલ ધ ગ્રાન્ડ ભગવતી ખાતે કેન્દ્રીય રેલ્વે રાજયમંત્રી દર્શનાબેન જરદોશની ઉપસ્થિતિમાં સુરત શાખા દ્વારા વિશ્વ માનક દિવસ સમારોહ યોજાયો હતો. જેમાં વિવિધ નિષ્ણાત વક્તાઓ દ્વારા ગુણવત્તા સંબંધી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) શું છે?

BIS-બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ એ ભારતની રાષ્ટ્રીય માનક સંસ્થા છે, જે કેન્દ્ર સરકારના ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયના નેજા હેઠળ કામ કરે છે. તેની સ્થાપના બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ એક્ટ-૧૯૮૬ હેઠળ થઈ છે, BIS 23 ડિસેમ્બ, 1986 ના રોજ અમલમાં આવી હતી. આ સંસ્થા અગાઉ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઈન્સ્ટિટ્યુશન (ISI) ના નામે ઓળખાતી હતી. તે વિવિધ સ્ટાન્ડર્ડ બનાવવા અને અમલીકરણ, ઉત્પાદનો અને સિસ્ટમો બંને માટે પરીક્ષણ અને સર્ટિફિકેટ આપવા, ટેસ્ટિંગ લેબોરેટરીઓનું સંગઠન અને મેનેજમેન્ટ, તાલીમ પ્રવૃત્તિઓ, ગ્રાહક જાગૃતિ અને ઇન્ટરનેશનલ માનક સંસ્થાઓ સાથે ગાઢ સંપર્ક જાળવવાનું કાર્ય કરે છે.

BISની સ્થાપના BIS એક્ટ 2016 હેઠળ કરવામાં આવી હતી. BISની સ્થાપના માલસામાનના માનકીકરણ, માર્કિંગ અને ગુણવત્તા પ્રમાણપત્રની પ્રવૃત્તિઓના સંકલન માટે કાર્યરત છે. BIS રાષ્ટ્રીય અર્થતંત્રને સ્ટાન્ડર્ડાઇઝેશન, સર્ટિફિકેશન અને ટેસ્ટિંગ દ્વારા પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે ફાયદો પહોંચાડે છે. સુરક્ષિત, વિશ્વસનીય ગુણવત્તા ધરાવતા ઉત્પાદનો પ્રદાન કરે છે. જેનાથી લોકોનું સ્વાસ્થ્ય પણ જળવાઈ રહે છે. આયાત અને નિકાસ વિકલ્પોને પ્રોત્સાહન મળે છે.

ભારતમાં બ્રિટિશ શાસનના છેલ્લા સમયગાળા દરમિયાન, જ્યારે દેશને ઔદ્યોગિક માળખાકીય સુવિધાઓ બનાવવાના વિશાળ કાર્યનો સામનો કરવો પડ્યો હતો, ત્યારે ઈન્સ્ટિટ્યુશન ઑફ એન્જિનિયર્સ (ઇન્ડિયા) એ આવી સંસ્થાના બંધારણનો પ્રથમ ડ્રાફ્ટ તૈયાર કર્યો હતો.

પરિણામે, ઉદ્યોગ અને પુરવઠા વિભાગે ૩ સપ્ટેમ્બર, ૧૯૪૬ના રોજ એક મેમોરેન્ડમ બહાર પાડ્યું હતું. જેમાં “ભારતીય માનક સંસ્થા” નામની સંસ્થાની સ્થાપનાની ઔપચારિક જાહેરાત કરવામાં આવી. ભારતીય માનક સંસ્થા (ISI) ૬ઠ્ઠી જાન્યુઆરી, ૧૯૪૭ના રોજ અસ્તિત્વમાં આવી અને ડૉ. લાલ સી. વર્મને જૂન ૧૯૪૭માં તેના પ્રથમ ડિરેક્ટર તરીકે કાર્યભાર સંભાળ્યો હતો.

પ્રારંભિક વર્ષોમાં સંસ્થાએ માનકીકરણ પ્રવૃત્તિ પર ધ્યાન કેન્દ્રિત કર્યું. માનકીકરણના લાભોને સામાન્ય લોકો સુધી પહોંચાડવા માટે, ભારતીય માનક સંસ્થાએ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ (સર્ટિફિકેશન માર્ક્સ) એક્ટ ૧૯૫૨ હેઠળ સર્ટિફિકેશન માર્ક સ્કીમ રજૂ કરી.

આ સ્કીમ, જે ઔપચારિક રીતે ISI દ્વારા ૧૯૫૫-૫૬માં શરૂ કરવામાં આવી હતી. તે ઉત્પાદકોને લાઈસન્સ આપે છે. જેમના ઉત્પાદનો ભારતીય ધોરણોને અનુરૂપ હોય છે અને

તેમના ઉત્પાદનો પર ISI સીલ લગાવે છે. સર્ટિફિકેશન માર્ક સ્કીમની જરૂરિયાતોને પહોંચી વળવા ૧૯૬૩માં લેબોરેટરી મશીનરીની સ્થાપના કરવામાં આવી હતી. પ્રોડક્ટ સર્ટિફિકેશન ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ ઇન્સ્ટિટ્યૂટ (સર્ટિફિકેશન સીલ) એક્ટ ૧૯૫૨ હેઠળ ચલાવવામાં આવ્યું હતું.

જ્યારે ધોરણોનું નિર્ધારણ અને અન્ય સંબંધિત કાર્ય કોઈ કાયદા હેઠળ નહોતું, તેથી આ માટેનું બિલ ૨૬ નવેમ્બર, ૧૯૮૬ના રોજ સંસદમાં મૂકવામાં આવ્યું હતું. આમ, ૨૬ નવેમ્બર ૧૯૮૬ના સંસદના અધિનિયમ દ્વારા, બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) ૧ એપ્રિલ ૧૯૮૭ના રોજ અસ્તિત્વમાં આવ્યું. જેણે તેના કાર્યક્ષેત્રને વિસ્તૃત કર્યું આ પરિવર્તન દ્વારા સરકારે ગુણવત્તાયુક્ત સંસ્કૃતિ, જાગૃતિ અને રાષ્ટ્રીય ધોરણોના નિર્ધારણ અને અમલીકરણમાં ગ્રાહકોની વધુ ભાગીદારી પર ભાર મૂક્યો હતો.

બ્યુરો એક કોર્પોરેટ સંસ્થા છે, જેમાં કેન્દ્ર અને રાજ્ય સરકારોનું પ્રતિનિધિત્વ કરતા 25 સભ્યોનો સમાવેશ થાય છે. જેમાં સંસદના સભ્યો, ઉદ્યોગના પ્રતિનિધિઓ, વૈજ્ઞાનિક અને સંશોધન સંસ્થાઓ અને વ્યાવસાયિક સંસ્થાઓનો સમાવેશ થાય છે. કેન્દ્રીય ઉપભોક્તા બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રી તેના અધ્યક્ષ છે અને ઉપભોક્તા બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ રાજ્ય મંત્રી તેના ઉપાધ્યક્ષ હોય છે.

સોનાના ઘરેણાઓની ખરીદી કરતા સમયે ગ્રાહકો તકેદારી રાખવી

બી.આઈ.એસ.ની હોલમાર્કિંગ યોજના દ્વારા લોકોને ભેળસેળથી બચાવવા અને સુંદરતાના માન્ય ધોરણો જાળવી રાખવા સોના જેવી કિંમતી વસ્તુઓમાં હોલમાર્કિંગના દાયરામાં લાવવામાં આવી છે. જેનાથી ગ્રાહકોને શુદ્ધતાની ખાત્રી મળે છે.

આ સ્કીમ અનુસાર, BIS દ્વારા જ્વેલર્સને હોલમાર્કિંગ સ્કીમ હેઠળ રજિસ્ટ્રેશન આપવામાં આવે છે. સોનાની દરેક વસ્તુ પર એચ.યુ.આઈ.ડી. ફરજિયાત કરેલ છે આ એચ.યુ.આઈ.ડી. નંબર 6 અંકનો હોય છે, જેથી ઘરેણાની ખરીદી સમયે તેની તકેદારી રાખવી હિતાવહ છે. રમકડાઓ પર પણ આઈ.એસ.આઈ. માર્ક ફરજિયાત કરવામાં આવ્યો છે.

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

______________________________________________________

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant