ચાર વર્ષમાં સુરત એરપોર્ટ પર દાણચોરીના 41 કેસ નોંધાયા : 20 કિલોથી વધુ સોનું પકડાયું

સુરત એરપોર્ટ પર સુરત-શારજાહની ફ્લાઇટ શરૂ થતા દાણચોરો એક્ટિવ થઈ ગયા અને પાછલા ચાર વર્ષમાં કરોડો રૂપિયાના સોનાની દાણચોરી કરી.

41 cases of smuggling reported at Surat airport in four years more than 20 kg of gold seized
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE-SIDDHI-VINAYAK-LASER-FEATURED
  • NAROLA MACHINES

DIAMOND CITY NEWS, SURAT

સુરત એરપોર્ટ આંતરરાષ્ટ્રીય સ્તરનું બને અને અહીંથી દેશ વિદેશ માટે વિમાનો ઉડતા થાય તેવા સપના સુરતીઓ જોઈ રહ્યાં છે, પરંતુ પાછલા ચાર વર્ષમાં સુરત એરપોર્ટ પર જે ગેરકાયદે ગતિવિધિઓ થઈ છે તે જોતાં સુરત એરપોર્ટ વિકાસના બદલે અધોગતિ તરફ જઈ રહ્યું હોય તેવું ચિત્ર ઉપસ્યું છે.

સુરત એરપોર્ટ પર ચાર વર્ષ પહેલાં સુરત-શારજાહની એકમાત્ર આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ શરૂ કરવામાં આવી હતી. આ ફ્લાઇટ શરૂ કરવાનો હેતુ સુરતને દુબઈથી કનેક્ટ કરવાનો હતો. સુરત એરપોર્ટનું હિત ધરાવતા જાગૃત નાગરિકો અને રાજકારણીઓના અનેક પ્રયાસો બાદ સુરત એરપોર્ટ પર શારજાહને જોડતી ફ્લાઇટ શરૂ કરવામાં સફળતા મેળવી હતી, પરંતુ જ્યાં ગામ વસે ત્યાં ધૂતારા દોડી જાય તેવું જ કંઈક સુરત એરપોર્ટ પર બન્યું છે.

સુરત એરપોર્ટ પર સુરત-શારજાહની ફ્લાઇટ શરૂ થતા દાણચોરો એક્ટિવ થઈ ગયા અને પાછલા ચાર વર્ષમાં કરોડો રૂપિયાના સોનાની દાણચોરી કરી. કેટલાં દાણચોરો સોનાનું સફળતાપૂર્વક સુરતમાં ઘૂસાડવામાં સફળ સાબિત થયા તે તો જાણી ન શકાય પરંતુ સુરત એરપોર્ટ એક્શન કમિટીના પ્રમુખ સંજય ઈઝાવાના પ્રયાસોના પગલે સુરત એરપોર્ટ પરથી પાછલા ચાર વર્ષમાં દાણચોરીનું કેટલું સોનું પકડાયું તેની વિગતો જાણવા મળી છે.

સુરતના આરટીઆઈ એક્ટિવિસ્ટ અને સુરત એરપોર્ટ એક્શન કમિટીના પ્રમુખ સંજય ઈઝાવાને આરટીઆઈ (RTI) મારફત મળેલી વિગત અનુસાર ચાર વર્ષમાં 20 કિલો જેટલું દાણચોરીનું સોનું પકડાયું છે. રિપોર્ટ અનુસાર વર્ષ 2019-20 માં 6799.12 ગ્રામ, વર્ષ 2021-22 માં 282.60 ગ્રામ, વર્ષ 2022-23 માં 8955.78 ગ્રામ અને વર્ષ 2023-24માં ઓગસ્ટ મહિના સુધી 4356.69 ગ્રામ સોનું મળીને કુલ 20,394.19 ગ્રામ એટલે કે 20 કીલો ગ્રામ કરતા વધુ દાણચોરી થઈ છે.

વર્ષ 2019-20 માં રૂપિયા 2.45 કરોડ, વર્ષ 2021-22માં 0.14 કરોડ, વર્ષ 2022-23માં 4.53 કરોડ અને વર્ષ 2023-24માં ઓગસ્ટ મહિના સુધી 2.73 કરોડ મળીને કુલ 9.85 કરોડની કિંમતની દાણચોરી થઈ છે.

આરટીઆઈના રિપોર્ટ અનુસાર વર્ષ 2019-20માં 14 વખત, વર્ષ 2021-22 માં 1 વખત, વર્ષ 2022-23 માં 17 વખત અને વર્ષ 2023-24માં ઓગસ્ટ મહિના સુધી 9 વખત મળીને કુલ 41 વખત સુરત એરપોર્ટ પરથી દાણચોરી થઈ છે. કસ્ટમ વિભાગના મદદનીશ કમિશ્નર, સુરત એરપોર્ટ દ્વારા આપવામાં માહિતી મુજબ છેલ્લા 4 વર્ષમાં કોઈ FIR આ 41 જેટલા કેસોમાં કરવામાં આવી નથી. સુરત એરપોર્ટ પર 13 જેટલા કસ્ટમ અધિકારીઓ સુરત પોલીસના અધિકારીઓ સાથે કામ કરી રહ્યા છે.

તાજેતરમાં સુરત એરપોર્ટથી દાણચોરીનો આક્ષેપ લાગેલા આરોપી પરાગ દવે (ઈમીગ્રેશનના પી.એસ.આઇ., સુરત પોલીસ) માત્ર મોહરો છે. માત્ર એક PSI કક્ષાના અધિકારી આ પ્રકારની ઘટનાને અંજામ ન આપી શકે. કોઇ ઉચ્ચ અધિકારી આ કિસ્સામાં માસ્ટર માઈન્ડ તરીકે કામ કરી રહ્યા છે, સુરત એરપોર્ટથી થઇ રહેલી આ દાણચોરીમાં સુરત પોલીસ અને કસ્ટમ્સનાં ઘણા અધિકારીઓની મિલી ભગત નકારી શકાય નહીં એમ સંજય ઇઝાવાએ આશંકા વ્યક્ત કરી છે.

સંજય ઈઝાવા અનુસાર, સુરત એરપોર્ટ દાણચોરો માટે ગ્રીન ચેનલ સમાન થઇ ગયું છે. દેશના ઇકનોમીને અસર પડી શકે એવા ગોલ્ડ સ્મગલીંગમાં અધિકારીઓ વધુ ધ્યાન આપવું પડશે. શરૂઆતથી જ સ્મગ્લરોની ચેનલ તોડવું પડશે, અન્યથા સુરત એરપોર્ટ દેશ માટે એક કલંક બની શકે છે, જે સુરત એરપોર્ટના વિકાસ અને વિદેશી વિમાની સેવામાં અસર પડશે.

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

______________________________________________________

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant