સુખથી ઓછું અને આનંદથી વધુ ક્યાં કોઈને જોઈએ છે? તમને શું જોઈએ છે?!

Happiness-adhi-akshar
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE-SIDDHI-VINAYAK-LASER-FEATURED
  • NAROLA MACHINES

‘દ્વન્દ’નો બીજો મુદ્દો… મિત્ર-શત્રુ! શક્ય છે કોઈક માટે મિત્રતા-શત્રુતા બહુ અગત્યની વાત ન હોય! જેને ન કોઈ યાર દોસ્ત હોય જીગરી… ન કોઈ જીવલેણ વેરી હોય… તે ક્યારેય નહીં સમજી શકે. મિત્ર-શત્રુ જેવો દ્વન્દ પણ કોઈને સતાવી શકે! પણ કર્ણ જેવા લોકો માટે દુર્યોધન જેવો મિત્ર જીગર-જાન હોઈ શકે! જેના પર તે સર્વસ્વ કુરબાન કરી શકે! કૃતજ્ઞતાનો બોજ લઈ તે મરી પણ શકે!

ગ્રહ નડે છે કે નહીં તે ચર્ચાસ્પદ, ક્યારેક વિવાદાસ્પદ, વળી ક્યારેક હાસ્યાસ્પદ પ્રશ્ન બની રહે છે પણ ‘દ્વન્દ’ નડે છે તે પ્રશ્ન સાયન્સ, પોલિટીક્સ, મેનેજમેન્ટ, મનોવિજ્ઞાનથી માંડીને સ્પીરીચ્યુઆલિટી સુધી સૌનો જગજૂનો પ્રશ્ન છે અને હરેક સબ્જેક્ટે પોતપોતાની રીતે આ પ્રશ્નનો તોડ કાઢવા પ્રયાસ કર્યો છે. પણ કોઈક શાણાએ કહ્યું છે તેમ આધ્યાત્મિક સફળતા વગર બાકી બધી જ સફળતાઓ અધૂરી અને ઉપરછલ્લી છે. તેમ આપણે આ પ્રશ્નનું આધ્યાત્મિક વિશ્લેષણ કરવાનો અહીં ઉપક્રમ કરવાના છીએ.
ઉપરછલ્લું જોતા એવું લાગે કે સુખ અને દુઃખ એમ બે જ વિરોધાભાસી બાબતો છે. કારણ કે છેવટે માણસના હાથમાં આ બે જ આવે છે, કાં સુખના મહેલ માળિયા કાં દુઃખના વણનોતર્યા કટોરા! પણ જરાક ઝીણું કાંતીયે તો સમજાય કે આ બે પરિણામો દરમિયાન ઘણું બધું બની જાય છે. બંનેને આપણે એકમેકમાં ભેળસેળ થતાં પણ જોયા છે, અનુભવ્યા છે અને બંનેને એકમેકનું રૂપ ધરતા પણ જાણ્યા છે.


હવે આવીએ દ્વન્દ પર! દા.ત. યશ-અપયશની વાત કરીએ તો કોઈકને માટે યશ, પ્રતિષ્ઠા, કીર્તિ એ એટલા મહત્ત્વના હોઈ શકે તે તેના ખાતર સો સુખનો પણ ભોગ આપી શકે. કોઈક સો વાર સુખ જતા કરીને પણ ગમે તેમ કરીને પોતાની ક્રેડીટ બચાવવા પ્રયત્ન કરે. ધર્મગ્રંથો ઉથલાવતા જાણી શકાય કે પોતે આપેલા વચન ખાતર સજ્જનો એ મોતને પણ વહાલું કર્યું તેના સૈંકડો દાખલા મૌજૂદ છે. સાથોસાથ ઘર-પરિવાર, ખાનદાન હોમી દીધાની વાર્તાઓ પણ ઈતિહાસને પાને અંકિત છે! ઈલેક્શન હારવું, સ્પર્ધામાં બીજો નંબર આવવો, કોઈનું તૂંકારે બોલાવવું વગેરે આ આવા લોકો સહન ન કરી શકે. ભૂખ્યો સૂઈ શકે પણ માંગી ન શકે! અને બીજી બાજુ એવાય કાળા ચહેરાઓ છે જેમણે પોતાના સુખ ખાતર યશને ઠેબે ચડાવ્યો હોય! તેમને માટે લૌકિક સુખ સર્વસ્વ હોય. પોતાના સુખ ખાતર તે બીજાના પ્રાણ સંકટમાં મુકતા પણ ખચકાયા ન હોય. દુર્યોધન તેનું સચોટ ઉદાહરણ ગણાય. તે કહે છે, ‘મદર્થે ત્યક્તજીવિતા’ = ‘મારા ખાતર જીવ હોમી દેનારા લોકો’ આપણે સમાજમાં જોઈએ છીએ, એવા લોકોની સંખ્યા મેજોરીટીમાં છે! પોતાના સુખ ખાતર ગમે તે હદે જનારા બળાત્કારીઓ, આતંકવાદીઓ, ભ્રષ્ટાચારીઓ બધા એ જ કક્ષામાં આવે.
છેવટે બંને અંતિમ છેડાના વિરોધાભાસ છે! બંને વચ્ચે સંતુલન જરૂરી છે. એ જે પોતાની પ્રતિષ્ઠા બચાવવા ગમે તેવા એડજેસ્ટમેન્ટ કરે તે કે જે પોતાના સુખ ખાતર ગમે તેનું ગમે તે બરબાદ કરવા તૈયાર થાય તે? ના! એક વાર્તા છે! કહેવાતા ધાર્મિક લોકોએ બુદ્ધને બદનામ કરવા એક દેહ-વ્યાપાર કરનારી સ્ત્રીને ફોસલાવીને કહ્યું કે તું રાજાને ફરિયાદ કર કે બુદ્ધે મને ગર્ભવતી બનાવી મૂકી ને હવે છોડી ગયો છે તેને કહો કે મારી સાથે સંસાર માંડે! હવે જો બુદ્ધ સંસાર ન માંડે તોય પાપી ગણાય, માંડે તોય પાપી ગણાય!
સ્ત્રી પેટે ગઠરી બાંધી રાજસભામાં ગઈ, પઢાવેલું બોલી, બુદ્ધ જાણી ગયા, છતાં તેમણે કહ્યું કે હું આ સ્ત્રી સાથે સંસાર માંડવા તૈયાર છું!
આગળની સ્ટોરી સાથે આપણને નિસ્બત નથી પણ બુદ્ધે યશ-અપયશની ફિકર કરી? ન કરી! એમણે સ્ત્રીનો અનાદર ન કર્યો! ન કોઈ પર કીચડ ઉછાળ્યું! તેમની સમતામાં રતીભર આંચ ન આવી. એ સહજ રહ્યા, બહારથી પણ, ભીતરથી પણ! પણ વાચકોને ખણ ઉપડશે… વાર્તામાં પછી શું થયું? બટ ઓબ્યસ! સ્ત્રીએ સત્ય કબૂલી લીધું ભૈ!
‘દ્વન્દ’નો બીજો મુદ્દો… મિત્ર-શત્રુ! શક્ય છે કોઈક માટે મિત્રતા-શત્રુતા બહુ અગત્યની વાત ન હોય! જેને ન કોઈ યાર દોસ્ત હોય જીગરી… ન કોઈ જીવલેણ વેરી હોય… તે ક્યારેય નહીં સમજી શકે. મિત્ર-શત્રુ જેવો દ્વન્દ પણ કોઈને સતાવી શકે! પણ કર્ણ જેવા લોકો માટે દુર્યોધન જેવો મિત્ર જીગર-જાન હોઈ શકે! જેના પર તે સર્વસ્વ કુરબાન કરી શકે! કૃતજ્ઞતાનો બોજ લઈ તે મરી પણ શકે!
આપણે ધૃતરાષ્ટ્રને કદાચ સમજી શકીએ કારણ કે તે કક્ષાના રાગ-દ્વેષ આપણામાં કોઈક અંશે છે! પોતાના સંતાનોના વાંક જોતી વખતે આપણે મોહના ચશ્મા પહેરી લઈએ છીએ અને બીજાઓના બાળકોને જોતી વખતે દ્વૈષના! સેલફોનમાં ફોટો એડીટીંગની એપ્લીકેશન આવે છે ને એવી જ એપ્લીકેશન આપણા મનમાં સેટ થયેલી છે, તેનું નામ મોહ છે! આપણે જેને ચાહતા હોઈએ તેમના કિરદાર ઓટોમેટીક ‘ટીપટોપ’ થઈને જ સ્ક્રીન પર આવતી રહે છે! આપણે વાર-તહેવારે ‘મોહ’ નામની એપ્લીકેશનનું લેટેસ્ટ વર્ઝન ડાઉનલોડ કરતા રહીએ છીએ એટલે આપણને કોઈક આપણી ચહેતી વ્યક્તિનો અસલ ચહેરો બતાવવા આવે તો આપણે રોષે ભરાઈ જઈએ છીએ! આપણને જે કાંઈ સુખ આપે છે, અથવા ભવિષ્યમાં આપશે, તેવી આપણને આશા છે, તે બધું રાગ જગાડે છે, તે મોહ છે! અને જે કાંઈ દુઃખ આપે છે કે ભવિષ્યમાં આપશે તેવી ભીતિ છે, તેના પ્રત્યે નફરત પૈદા થાય તે દ્વૈષ છે!
જે કળા, રમત, વિદ્યા, નીતિ, ભાવ, વિચાર, ભાષા, ક્ષેત્ર, ધર્મ, વ્યક્તિ, વસ્તુ, સ્થળ, ઘટના, પ્રસંગ, અવસર વગેરે સુખદાયી લાગે તેનાથી રાગ જન્મે છે, તેને રિપીટ કરવાનું મન થાય છે જાણે કે રાગ કોઈ ખાડો છે, મનનું પાણી તેમાં વહેવા દોડી જાય છે! દ્વૈષ અણગમાનું બીજું નામ છે. જેનાથી પીઠ ફેરવી લેવાનું મન થાય છે. રાગ અટેચમેન્ટ છે! દ્વૈષ ડિસ અટેચમેન્ટ છે! રાગ કે દ્વૈષ બંને માણસને પક્ષપાતી બનાવે છે અને પક્ષપાતી માણસ ક્યારેક સાચો હોઈ શકે?!
અર્જુન ગીતામાં ભગવાનને કહે છે કે મારો રથ સેના મધ્યે ઊભો રાખો, જેથી હું નિષ્પક્ષ વ્યૂહ જોઈ શકું! બુદ્ધે કહ્યું છે કે રાગ અને દ્વૈષ બંને અગ્નિ છે, જે માણસને જીવતે જીવ બાળી નાખે છે. જે માણસને બાળી નાખે તેને માણસ બાળી નાખે તો… ઈન્ટરેસ્ટીંગ છે નહીં! ચંદ્રકાંત બક્ષીએ લખ્યું છે, ‘મોહભંગ થવાની એક ઉંમર હોય છે!’ ધર્મના ધૂરંધરો ન કહી શકે તેવી વાત ક્યારેક લૌકિક જીવનના સૂગંધરો કહી જાય છે. (‘સુગંધરો’ ન સમજાયું? નવું છે? નવું જ છે, જીવનને નજીકથી સૂંઘનારા!) જો રાગ દ્વૈષના અનુભવોને તેનાથી થનારી વીંછીના ડંખ જેવી વેદનાનું ભાથું બાંધવામાં આવે તો મુક્તિ સંભવ છે રાગ-દ્વૈષથી! પણ આપણને તો કહેવામાં આવે છે કે બધુ ભૂલી જાઓ! કડવું ભૂલી જાઓ! ખાટું-ખોરું ભૂલી જાઓ! એટલે કે સંસારમાં નવેસરથી ગુલતાન રહી રમ્યા કરો! જો સ્મરણ રહે કે રાગને સ્થાને રાગ નથી સદા, દ્વૈષને સ્થાને દ્વૈષ નથી! ખોટો તો હું પણ છું! ખરાબ તો હું પણ! ભૂલ તો મારી પણ! ભટકું તો હું પણ છું! તો સાચી દિશા સુધી જવાની સૂઝ આવે! એકાંતના ટાપુ પર જ્યાં કોઈ અહંકાર નથી, ત્યાં હું કોણ છું?! એ પ્રશ્નના સાચા જવાબમાં ન રાગ રહે છે બાકી, ન દ્વૈષ! ગીતા કહે છે અભ્યાસથી વિતરાગ સધાય છે!
ધર્મ-અધર્મ તથા પાપ-પુણ્ય આ બે સૌથી અગત્યના, મહત્ત્વના દ્વન્દ વિશે થોડી વાત… ધર્મ શું? જે તે અવસ્થા, સ્થિતિ, સંજોગ, દેશ, કાળે વિવેકપ્રેરિત નિઃસ્વાર્થતાભાવે કરેલ ન્યાય યુક્ત (સમાષ્ટિના કલ્યાણઅર્થે) નિયત કર્મ એટલે ધર્મ! એ કર્મ સ્વભાવિકપણે દોષપૂર્ણ હોય, તોય કરવા યોગ્ય તેના ઉદાહરણો સ્વયં શ્રી કૃષ્ણે મહાભારત યુદ્ધમાં ઠેર-ઠેર આપ્યા (આપણે જેને છળ-કપટ ઠરાવીને બુદ્ધિનું દેવાળું ફૂંકતા હોઈએ છીએ તે જ હોં કે!) અને તેનાથી વિપરિત અધર્મ છે! પુણ્ય, સિમ્પલ વ્યાખ્યા એ છે જાગૃતની પૂર્ણ અવસ્થામાં પાપ સંભવ નથી એટલે કે તે પૂર્ણ જ્ઞાનની અવસ્થા છે. પાપ અજ્ઞાનની અવસ્થામાં થાય છે. બેહોશીની પૈદાઈશ છે પાપ! જે કોઈ કૃત્ય અવરનેસ વગર થઈ જાય, જાણકારીપૂર્વક, ધ્યાનપૂર્વક, સજાગતાપૂર્વક કરવામાં ન આવે પણ થતા થઈ જાય તે ‘પાપ’ જ થાય! પ્રશ્ન એ થાય કે તો પછી ભક્તો જેને પાગલપન કહે છે તે દશા શું છે?! તે દશામાં ક્યારેય ભક્તે કોઈનું અહિત કર્યું? કોઈ પર અત્યાચાર કર્યો? કોઈ પર ગાડી ચડાવી દીધી? કોઈને શૂટ કર્યા? કોઈને ફાંસી દીધી? કોઈ પર બોંબ ફેંક્યા? કોઈ પર રેપ કર્યો?
આ પરમ જાગૃતિના ખુમાર છે, તેની વાત નિરાળી છે! પુણ્ય સાત્વિકતાની પરમ સીમા છે! પાપ તમલિતાની નિકૃષ્ટ હદ છે! આ બંને વચ્ચે સંતુલનની કથા ‘ભાગવત’માં કસાઈ ગુરૂની કહાની તરીકે આવે છે.
આખાય લેખને અંતે ‘ટેક હોમ સેલેરી’ તરીકે સાથે શું લઈ જવું? એક શબ્દ! એક શબ્દમાં ધર્મના કર્મનો મર્મ લઈ જવો! અધ્યાત્મના અબજો ફૂલોમાંથી નિતારેલું એક બૂંદ અત્તર લઈ જવું! એ અત્તર જેણે યુગો-યુગોથી મનુષ્યોના જીવનને મહેકાવ્યું છે એવું એક અમૃતબૂંદ જેણે અમરત્વનું વરદાન આપ્યું છે, જેનું નામ છે – ‘સાક્ષી’! પ્રત્યેક વિચાર, ભાવ અને સંવેદના પ્રત્યે સાક્ષીત્વ સમત્વને ઉપલબ્ધ કરાવે છે! ને સમત્વ સમાધિને! સમાધિ આનંદનો પર્યાય છે! બાય ધ વે! અધ્યાત્મ તો શું સંસારની પણ ખોજ આનંદ સિવાય છે શું?!

Happiness-adhi-akshar

વિસામો :

દશે દિશાઓ તરફથી વ્યક્તિ કે વિચાર પોતાના ગંદા પગલાં લઈને તમારા મનના મહલમાં ઘૂસવા તત્પર છે. તરકીબ કે ટેકનીક તમારા પાસે હોવી જોઈએ કે કોઈના ગંદા પગલાં પર તમે ‘પ્રવેશબંધી’ની નોટિસ મૂકી શકો અને શક્તિ હોવી જોઈએ કે તમે જ મૂકેલી નોટિસને અમલમાં મૂકી શકો. જો એમ બને તો જ બહારની દુનિયામાં કામ કરતા રહીને પણ તમે ભીતરના જગતમાં આરામ ફરમાવી શકો!
- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant