ડાયમંડ ઉદ્યોગમાં એક એવી ટેકનોલોજીનુ ઇનોવેશન કરવાનો મને આનંદ છે કે જેની સમગ્ર દુનિયાએ ક્યારેય કલ્પના કરી ન હોય : ભરતભાઈ

ભરતભાઇનું કહેવું છે કે તેમણે ડાયમંડ ઉદ્યોગમાં એરજેટ ટેકનોલોજીસનું ઇનોવેશન કર્યું છે જે દુનિયાના ડાયમંડ ઉદ્યોગમાં કયાંય નથી.

VYAKTI-VISHESH-BHARATBHAI-CHAUDHARY
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE-SIDDHI-VINAYAK-LASER-FEATURED
  • NAROLA MACHINES

એવરગ્રીન ટેક્નોલોજીસના ભરતભાઇ ચૌધરીએ ડાયમંડ સિટી મેગેઝીન સાથે ટેકનોલોજીની શરૂઆતથી લઇને અત્યારની લેટેસ્ટ ટેકનોલોજી વિશે માંડીને વાત કરી હતી…..

જેમ સુરત આવીને બીજા લોકોએ સંઘર્ષ કરવો પડ્યો હતો તેવો સંઘર્ષ ભરતભાઇએ પણ કર્યો. ઇલેકટ્રોનિકસ એન્જિનીયરીંગનો અભ્યાસ કરીને 1998માં સુરત આવેલા ભરતભાઇએ શરૂઆતમાં સાવ સામાન્ય પગારમાં લેસર ટેકનોલોજી કંપનીમાં નોકરી કરી હતી. 5 વર્ષ તેમણે નોકરી કરી, પરંતુ તેમના મગજમાં હમેંશા એ વાત ચાલતી હતી કે સમગ્ર હીરા ઉદ્યોગ ને ફાયદો થાય તેવું કઇંક અનોખું કરવું છે, બીજા જે કરે છે તેનાથી અલગ ચિલો ચીતરવો છે. લાંબા મનોમંથન પછી તેમણે પોતાનું કામ ચાલું કરવાનું વિચાર્યું. પોતાની કંપનીને એક અલગ ઉંચાઇએ પહોંચાડવા માટે તેમણે દુનિયાભરના ટેક્નોલોજી પ્રદર્શનોમાં જવાનું શરૂ કર્યું. સેમિનારો અને જયાંથી પણ માહિતી મળે તે મેળવવાનું શરૂ કર્યું. ભરતભાઇએ કહ્યું કે તે જમાનામાં ડાયમંડ ઉદ્યોગમાં લેસર ટેકનોલોજીની શરૂઆત હતી. તે વખતે હીરાઉદ્યોગમાં ઇન્ફ્રા રેડ (IR) ટેકનોલોજીનો ઉપયોગ થતો હતો. અમે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ (R&D) પર ભાર મુક્યો અને હીરાઉદ્યોગમાં પહેલીવાર વર્ષ 2004માં ગ્રીન લેસર ટેકનોલોજી લઇને આવ્યા. આ ટેકનોલોજી આજે પણ હીરા ઉદ્યોગમાં પ્રભુત્વ ધરાવે છે. સમયાંતરે મોડીફેકશન થતા ગયા, પરંતુ ગ્રીન લેસર ટેકનોલોજીનો ઉપયોગ આજે પણ ઘણા બધા લોકો કરી રહ્યા છે. ગ્રીન લેસર ટેક્નોલોજી એ અમારું ઇનોવેશન નહોતું. એ ટેકનોલોજી ડેવલપ થઇ હતી વિદેશમાં પણ સુરતમાં અમે ઇન્ટ્રોડ્યૂસ કરી હતી.

લગભગ 50 લાખથી વધારે વસ્તી ધરાવતું અને ગુજરાતનું આર્થિક પાટનગર ગણાતું સુરત એક એવું શહેર છે જયાં દેશભરમાંથી આવીને અહીં લોકો વસ્યા છે. એમાંના ઘણા બધા એવા છે જેઓ નોકરીની શોધમા કે સાવ મામુલી મૂડી લઇને આ શહેરમાં આવ્યા હતા. મહેનત અને સંઘર્ષ કરીને આવા લોકોએ સુરતને કર્મભૂમિ બનાવી અને સફળતાની ટોચ પર પહોંચી ગયા છે. આમાના મોટાભાગના લોકોની કોમન સ્ટોરી એવી હોય છે કે બહારથી આવીને વસેલા લોકોએ તનતોડ મહેનત કરી અને સારી જિંદગી મેળવી.

આજે એક એવા વ્યકિતની વાત કરવી છે જેમણે 24 વર્ષ પહેલાં સુરતની ધરતી પર પગ મૂક્યો હતો અને ઘેટાંના ટોળામાં ચાલવાને બદલે પોતાની સર્જનાત્મકતાથી હટકે કામ કરીને એક અલગ જ કેડી કંડારી અને આજે ડાયમંડ ઉદ્યોગની ટેકનોલોજીમાં એક લીડર બની ગયા છે. એમ કહી શકાય કે આ વ્યકિતએ દુનિયામાં કયાંયે નથી એવી ટેકનોલીજીનું ઇનોવેશન કરીને હીરાઉદ્યોગને ઉંચાઇએ પહોંચાડવામાં તો પોતાનું યોગદાન આપ્યું જ છે, પરંતુ સાથે સાથે તેમણે ટેકનોલોજીની બાબતમાં સુરતના હીરાઉદ્યોગને આત્મનિર્ભર બનાવવામાં મહત્વનો સિંહફાળો આપ્યો છે…

તો સુરતના ડાયમંડ ઉદ્યોગની ટેકનોલોજીમાં મોટું પ્રદાન આપનાર મહાશયનુ નામ છે ભરતભાઇ ચૌધરી અને તેઓની કંપનીનુ નામ એવરગ્રીન ટેકનોલોજીસ. ભરતભાઇનું કહેવું છે કે તેમણે ડાયમંડ ઉદ્યોગમાં એરજેટ ટેકનોલોજીસનું ઇનોવેશન કર્યું છે જે દુનિયાના ડાયમંડ ઉદ્યોગમાં કયાંય નથી.

ભરતભાઇ ચૌધરી આજે જિંદગીમાં સફળ બિઝનેસમેન છે, પરંતુ એ સફળતા માટે તેમણે અનેક પડકારોનો સામનો કર્યો, એવા આકરાં સમયને પણ જોયો કે જયારે એવું લાગતું હતું કે આગળની કેડીની સફર હવે પુરી ન થઇ શકે, પરંતુ તેઓ ડગ્યા નહી અને હિંમતપૂર્વક આગળ વધ્યા અને આજે ડાયમંડ ટેકનોલોજીમાં લીડર તરીકે આગળ આવ્યા. તેમણે કહ્યું કે જિંદગીની આ સફરમાં પિતા તરફથી મળેલા પ્રામાણિકતા અને પરિશ્રમના સંસ્કારો ખૂબ કામ લાગ્યા. ભલે કમાણી ન થાય કે ધંધાના વિકાસ માં સમય લાગે, પરંતુ આજની તારીખે પણ હું નિતિમત્તા ની બાબતમાં કોઇ બાંધછોડ કરતો નથી.

કોઇ પણ ધંધો જયારે વિકાસ પામતો હોય છે ત્યારે તેમાં અનેક લોકોનો સિંહફાળો હોય છે. દુનિયામા સુરતની એળખ ડાયમંડ સિટી તરીકે છે દુનિયામાં બનતા 10 હીરામાંથી 8 હીરા અહીં ડાયમંડ કટિંગ એન્ડ પોલિશીંગ થાય છે. વર્ષો પહેલાની વાત કરીએ તો સુરતના હીરાઉદ્યોગમાં ઘંટી પર બેસીને, અંધારા ઓરડામાં બેસીને કારીગરો કામ કરતા હતા. તે વખતે ડાયમંડ ઉદ્યોગમાં ટેકનોલોજીનું નામોનિશાન નહોતું. આજે એ સ્થિતિ છે કે ડાયમંડ ઉદ્યોગમાં ટેકનોલોજી વગર સર્વાઇવ કરવું મુશ્કેલ છે. મતલબ કે હીરાઉદ્યોગમાં કામ કરતા મોટાભાગના લોકોએ ટેકનોલોજી અપનાવી લીધી છે જેને કારણે હીરાઉદ્યોગના વર્કીંગ કલ્ચરમાં મોટો ફેરફાર આવ્યો છે.

ભરતભાઇએ કહ્યું કે એ વાતની અનહદ ખુશી છે કે તે પછી અમે ડાયમંડ ઉદ્યોગમાં એવી ટેક્નોલોજી લઇને આવ્યા જે યુરોપ, ઇઝરાયલ જેવા દેશોમાં ડેવલપ નહોતી કરવામાં આવી, પરંતુ એ ટેકનોલોજી સુરતમાં ડેવલપ થઇ અને તે અમારી કંપની એવરગ્રીન ટેક્નોલોજીસ દ્વારા તૈયાર કરવામાં આવી. આ ટેકનોલોજી તમને દુનિયામાં કયાંય પણ જોવા નહી મળે.
કોરોના મહામારીના સમયમાં દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આત્મનિર્ભર બનવાની અપીલ કરી હતી, પરંતુ ભરતભાઇએ તો એ પહેલાં જ ડાયમંડ ટેકનોલોજીમાં સુરતને આત્મનિર્ભર બનાવી દીધું હતુ. આજે ડાયમંડ ઉદ્યોગમાં દુનિયાની એવી કોઇ ટેક્નોલોજી નથી જે સુરતના હીરાઉદ્યોગમાં ન હોય.

ભરતભાઇને અમે પુછયું કે તમે ડાયમંડ ઉદ્યોગમાં એર જેટ ટેકનોલોજીનું ઇનોવેશન કર્યું તેને કારણે ઉદ્યોગને શું ફાયદો મળ્યો?

તો તેમણે સમજ આપતા કહ્યું કે લેસર ટેકનોલોજી V શેપમા હીરો કટ કરે છે જયારે એર જેટ ટેક્નોલોજીના ઉપયોગમાં સીધો હીરો કપાય છે. તેમણે કહ્યું કે આપણા માથાનો એક વાળ 60 માઇક્રોનનો હોય છે અને એર જેટ ટેકનોલોજી 30 માઇક્રોનથી હીરો કાપે છે. આ ટેકનોલોજીના વપરાશને કારણે ઉદ્યોગને ફાયદો એ થયો કે વેઇટ લોસ ઘણું ઓછું થઇ ગયું. પહેલાં તો ડાયમંડ કટીંગમાં ઘણું વેઇટ લોસ આવતું હતું, પહેલા IR લેસર ટેક્નોલોજી માં 2 -3 % વેઈટ લોસ આવતો હતો, તે પછી ગ્રીન લેસર માં 1-1.5% વેઈટ લૉસ આવતો હતો જે હવે અમે એર જેટ ટેક્નોલોજી ઇન્ટ્રોડ્યૂસ કરી તે પછી વેઇટ લોસ હવે 0.5 % પર આવી ગયું છે અને અમે વેઇટ લોસને 0.5% થી ઓછુ કરવા માટે કામ કરી રહ્યા છે.
ભરતભાઇએ વધુમા જણાવ્યું કે હીરાઉદ્યોગમાં વેઇટ લોસને કારણે મોટું નુકશાન થતું હતું, કારણ કે ડાયમંડના વેલ્યૂએશનને કારણે તેની રકમ લાખો કરોડો રૂપિયામાં જઇ શકે. અમે એર જેટ ટેક્નોલોજી લાવ્યા તેને કારણે ઉદ્યોગને આજે મોટું નુકશાન થતા બચી ગયું છે. બીજું કે ટેક્નોલોજી વિદેશમાં ડેવલપ થતી હોય છે તે અહીં ઘણી મોંઘી પડતી હોય છે, પરંતુ અહીં અમે સસ્તી કિંમતે આપી શકીએ છીએ. એટલે ઉદ્યોગના લોકોને મોંધી કિંમતથી બચવાનો પણ ફાયદો મળ્યો છે. એર જેટથી 10 માઇક્રોન જેટલા બારીક સોઇંગ પ્લેટ માં હીરા કપાય ત્યાં સુધી અમે ટેકનોલોજી ડેવલોપ કરી રહેલા છીએ. તેમણે કહ્યું કે એર જેટ ટેક્નોલોજીને કારણે ડાયમંડ ઉદ્યોગકારોનો નફો વધી શક્યો અને સાથે પ્રોડકશન પણ વધ્યું અને તે પણ પરફેકશન સાથે.

ભરતભાઇને અમે સવાલ કર્યો કે ટેકનોલોજી ખુબ ઝડપથી બદલાતી હોય છે તો તમે તેને કેવી રીતે મેનેજ કરો છો?

તો તેમણે જવાબ આપતા કહ્યું કે, ટેકનોલોજી ક્ષેત્રમાં કામ કરવું એટલે તલવારની ધાર પર ચાલવા જેવું પડકાર રૂપ હોય છે. તેમણે કહ્યું કે તમે જોયું હશે કે દુનિયાની એવી અનેક જાણીતી કંપનીઓ જેવી કે મોટારોલા, નોકીઆ કે કોડાક જેવી કંપનીઓ દુનિયાની બદલાતી નવી ટેકનોલોજી સાથે કદમ ન મેળવી શકી તો તેઓ સ્પર્ધામાંથી બહાર થઇ ગઇ. તેમણે કહ્યું કે ટેક્નોલોજીમાં તમારે દરરોજ જરૂરિયાત અને પ્રોબ્લેમ સમજવા પડે અને દુનિયામાં શું ચાલી રહ્યું છે તેનાથી અપડેટ્સ રહેવું પડતું હોય છે.

ભરતભાઇ કહ્યું કે ડાયમંડ ઉદ્યોગની સાઇઝ ઘણી મોટી છે અને આજની તારીખે ઘણા બધા લોકોએ ટેકનોલોજી સ્વીકારી છે, પરંતુ તેની સાથે સાથે હજુ પણ હીરાઉદ્યોગમાં ટેક્નોલોજી ડેવલપમેન્ટનો મોટો સ્કોપ છે. દુનિયાની ટેકનોલોજીથી આપણે હમેંશા આગળ રહેવું પડશે તો જ આપણે દેશને અને સુરતને હીરા ઉધોગ માં સર્વોપરી રહેવા માં મદદરૂપ થઇ શકીશું.

ટેકનોલોજીના મહત્ત્વ અને તેના પડકારો વિશે સમજાવતા ભરતભાઇએ કહ્યું હતું કે, જે રીતે તમે જુઓ કે સ્માર્ટફોનને કારણે બધા લોકોની જિંદગી સરળ બની ગઇ, પરંતુ તેને કારણે મુશ્કેલી એ ઉભી થઇ કે જો મોબાઇલ બંધ થાય કે ખોવાઇ જાય તો આપણે લાચાર થઇ જઇએ છીએ, કારણકે હવે આપણને કોઇના પણ ફોન નંબર યાદ રહેતા નથી. એ જ પ્રમાણે ડાયમંડ ઉદ્યોગમાં જયારે હીરાનું પ્લાનીગ થતું ત્યારે વ્યકિત તેના કૌશલ્યનો અને મગજનો ઉપયોગ કરતી હતી, પરંતુ હીરાઉદ્યોગમાં ટેકનોલોજી આવ્યા પછી મગજથી વિચારવાનું અને વ્યકિતનું કૌશલ્ય ઘટવા માંડ્યું.

ભરતભાઇએ કહ્યું કે, અમને એ વાતની ખબર છે કે જયારે હવે મગજથી વિચારવાનું જ નથી એ કામ મશીન કરવાનું છે તો દુનિયાના કોઇ પણ દેશો એ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ડાયમંડ ઉદ્યોગ વિકસાવી શકે છે. પરંતુ સાથે અમે એ વાત પણ સમજીએ છીએ કે સુરતના હીરાઉદ્યોગને વૈશ્વિક સ્તરે ટકાવી રાખવો હોય તો દુનિયા કરતા ટેક્નોલોજીમાં હમેંશા બે ડગલાં આગળ રહેવું પડશે. ભરતભાઇએ એક નાની શરૂઆત કરીને આજે ડાયમંડ ટેક્નોલોજીમાં લીડર તરીકેનું સ્થાન મેળવ્યું છે તો તેમણે ઘણો સંઘર્ષ કર્યો છે, દુનિયાના અનુભવોમાંથી શીખ્યા છે અને હજુ પણ શીખી રહ્યા છે.

અમે ભરતભાઇને પુછ્યું કે આજની યુવા પેઢીને તમે શું સંદેશો આપશો?

તેમણે જે વાત કરી છે તે આજના યુવાનોએ ખાસ ધ્યાનથી વાંચવા અને સમજવા જેવી છે.

તમારે જે ક્ષેત્રમાં કામ કરવું હોય તેમાં હમેંશા કઇંક અલગ કરવાનું વિચારો. જે ક્ષેત્રમાં મોટી સંખ્યામાં બધા રૂટીન કામ કરતા હોય તેવા કામમાં પડવાને બદલે કઇંક અલગ કરો અથવા અલગ રીતે કરો.દુનિયા એટલી મોટી છે એટલે તકોનો ભંડાર છે. માત્ર જરૂર છે તેને શોધવાની. તમે નજર દોડાવશો તો તમને અનેક તકો દેખાશે.

સારા વાંચનનો શોખ રાખજો, એ તમને સારી- ખરાબ દરેક સ્થિતિમાં મદદ કરશે. વાંચન એ થિયરી છે અને જિંદગીના અનુભવો એ પ્રેકટીકલ છે એટલે થિયરી અને પ્રેકટીકલનું મિશ્રણ કરશો તો એક નવું સર્જન બહાર આવશે.

તમારી સામે જિંદગીના રસ્તામાં અનેક પડકારો, મુશ્કેલી આવી શકે છે તેનાથી ડરવાની બદલે એમ સમજીને ચાલજો કે આ પ્રોબ્લેમ મારી જિંદગીના બેટરમેન્ટ માટે હશે. કુદરત હમેંશા એક રસ્તો બંધ કરે તો બીજો રસ્તો ખોલી જ દેતી હોય છે એવો વિશ્વાસ રાખજો.

ડાયમંડ ઉદ્યોગની સાઇઝ ઘણી મોટી છે અને આજની તારીખે ઘણા બધા લોકોએ ટેકનોલોજી સ્વીકારી છે, પરંતુ તેની સાથે સાથે હજુ પણ હીરાઉદ્યોગમાં ટેક્નોલોજી ડેવલપમેન્ટનો મોટો સ્કોપ છે. દુનિયાની ટેકનોલોજીથી આપણે હમેંશા આગળ રહેવું પડશે તો જ આપણે દેશને અને સુરતને હીરા ઉધોગ માં સર્વોપરી રહેવા માં મદદરૂપ થઇ શકીશું.

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant