ડો. પ્રફુલ્લ શિરોયા આ એક એવા ડોકટર છે જેમણે 176 વખત રકતદાન કર્યું છે….

આજે અમે વ્યક્તિ વિશેષમાં એવા જ એક વ્યક્તિનો પરિચય આપીશું જેમનું જીવન હજારો યુવાનો માટે પ્રેરણારૂપ બની શકે છે. તમે એમની કહાણી વાંચશો તો તમને થશે કે He is Real Gem of Surat.

DIAMOND CITY-VYAKTI VISHESH-DR PRAFUL SHIROYA-369-RAJESH SHAH-1
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE-SIDDHI-VINAYAK-LASER-FEATURED
  • NAROLA MACHINES

સાચેજ, એવા વ્યક્તિને તમને મળવાની મજા આવે, જે ગ્રાઉન્ડ લેવલે કામ કરતા હોય, કોઇપણ પ્રચાર વગર દિલથી સમાજની સેવા કરતા હોય અને વાતચીત કરવામાં સાવ સરળ હોય. જેમણે સાચા અર્થમાં સમાજના બદલાવમાં ભાગ ભજવ્યો હોય. આજે અમે વ્યક્તિ વિશેષમાં એવા જ એક વ્યક્તિનો પરિચય આપીશું જેમનું જીવન હજારો યુવાનો માટે પ્રેરણારૂપ બની શકે છે. તમે એમની કહાણી વાંચશો તો તમને થશે કે  He is Real Gem of Surat.

સરહદની સુરક્ષા કરતા વીર જવાનો એ દેશનું સાચું ઘરેણું છે, દેશપ્રેમની અનોખી મિશાલ છે. પરંતુ દેશ સેવા માત્ર સૈનિક બનીને કરી શકાય એવું હોતું નથી. તમે ધારો તો એવા નાના નાના કામ કરીને દેશની, સમાજની, શહેરની કે તમારી સોસાયટીની મદદ કરો તો એ પણ એક દેશ સેવા કે દેશ પ્રેમ જ છે.

એક એવા તબીબની તમારી સાથે વાત કરવી છે જેમણે એવા એવા કામ કર્યા છે કે તમે કહેશો વાહ, આ ભાઇ તો સેનાના જવાનથી કમ નથી. આ સાહેબ તબીબ છે, 176 વખત રકતદાન કર્યું છે, ચક્ષુ બેંક ચલાવે છે,હોમ ગાર્ડમાં કમાન્ડન્ટ છે અને કુદરતી આફતો કે દુર્ઘટનાના સમયે આગળ પડીને કામ કરે છે. ટુંકમાં મલ્ટીટાસ્કીંગ કરનાર આ વ્યક્તિ ખરા અર્થમાં માણસ છે. 

અહીં કવિ સુંદરમની એક પંક્તિ ટાંકવાનું મન થાય છે જે આ વ્યક્તિ વિશેષ માટે અનુરૂપ છે. પૃથ્વી ઉછંગે ઊછરેલ માનવી, હું માનવી માનવ થાઉં તો ઘણું! ધરી મથંતો હું મરું તો ઘણું! અનંતનો દીપકવાહી હું આઅકલ્પ્ય પંથે પળનાર હું જે મનુષ્ય જન્મ્યો, મરતાં સુધી હું ‘હતો ખરો માણસ’ બની રહું; જ્યાં પાય મારા તહીં શીશ મારું, જ્યાં દેહ મારો તહીં હૈયું મારું, વસુંધરાનું વસુ થાઉં તો સાચું, હું માનવી માનવ થાઉં તો ઘણું!

અમરેલી જિલ્લાના ધારીના વતની અને 33 વર્ષથી સુરતને કર્મભૂમિ બનાવનાર ડૉ. પ્રફુલ્લભાઇ શિરોયા વ્યવસાયે ગાયનેક છે અને તેમની ગાયત્રી પોલી ક્લિનીક હોસ્પિટલ માતાવાડી વિસ્તારમાં ચાલે છે. 58 વર્ષની વયે પહોંચેલા ડૉ. પ્રફુલ્લભાઈ પાસે હજુ 25-30 વર્ષના યુવાન જેવી સ્ફુર્તિ છે. વ્યવસાયે તબીબ છે, પણ ગ્રાઉન્ડ લેવલે સમાજ સેવાનું કામ કરે છે. તેમણે પોતે 176 વખત રકતદાન કર્યું છે અને હજુ 24 વખત રકતદાન કરીને 200ના આંકડા સુધી પહોંચાડવાની નેમ ધરાવે છે.

તો ડો. પ્રફુલ્લ શિરોયાની જીવન કથની જાણો. ડૉ. પ્રફુલ્લ શિરોયાનું બાળપણ સૌરાષ્ટ્ર્ના અમરેલી જિલ્લાના ધારી ગામે પસાર થયું હતું. પિતાની ગામમાં જ પાણી ખેંચવાની મોટરની દુકાન હતી.તે વખતે પરિવારની આર્થિક સ્થિતિ એટલી ખરાબ નહોતી, પરંતુ એટલી સારી પણ નહોતી.

ડૉ. પ્રફુલ્લભાઇએ ડાયમંડ સિટી ન્યૂઝપેપર સાથે વાત કરતા કહ્યું કે, પિતાજીની એવી ઇચ્છા હતી કે ભલે હું ન ભણ્યો, પરંતુ મારા સંતાનોને હું ડૉક્ટર કે એન્જીનીયર જરૂર બનાવીશ. આના માટે તેમણે ધારી છોડ્યું અને અમદાવાદ આવીને વસ્યા. સૌથી પહેલાં મારા મોટા બહેન જયાબેન ડૉક્ટર બન્યા, પછી હું ડૉક્ટર બન્યો અને મારો નાનો ભાઇ એન્જીનીયર બન્યો.  જયાબેન અમીપરા સુરત મહાનગર પાલિકામાં વર્ષ 2000-2001માં ડેપ્યૂટી મેયર તરીકે હતા.

ડૉ. પ્રફુલ્લ શિરોયાએ કહ્યું કે ધો.10 થી 12 અમદાવાદમાં અભ્યાસ કર્યો, પછી મેડીકલનો અભ્યાસ વડોદરામાં કર્યો અને ગાયનેકનું ભણવાનું પુરુ કર્યું. પણ એ દરમ્યાન  મિત્રોનું એક સારું ગ્રુપ બની ગયું હતું, ત્યારથી જ સેવા કાર્યની શરૂઆત કરી હતી.

ભણતા ભણતા અમે ઘણા રકતદાન અને એવા કેમ્પોના આયોજન કર્યા. તે સમય એવો હતો કે રક્તદાન વિશે લોકોમાં અવેરનેસ નહોતી અને બ્લડ બેંકોને હંમેશા રક્તની અછત રહેતી હતી. એ પછી ઇન્ટર્નશીપ પણ છોટાઉદેપુર, રાજપીપળા જેવા આદિવાસી વિસ્તારોમાં કરી. અમે દર 3 મહિને રક્તદાન કેમ્પનું આયોજન કરતા અને એ રીતે રક્ત ભેગું કરવામાં મદદરૂપ બનતા હતા.

સુરતમાં હું 1989માં આવ્યો હતો અને 1992માં હોમ ગાર્ડમાં ભરતી થયો હતો. 1996માં હું હોમગાર્ડમાં મેડીકલ ઓફીસર બન્યો હતો. તે વખતે નાગપુર પાસે કામડીમાં મિલિટ્રી ટ્રેનિંગ સેન્ટર છે. જેમાં 40 ડોકટર્સને કેઝ્યૂલીટીના સમયે કેવી રીતે કામ કરવું તેની તાલિમ આપવામાં આવી હતી. આ તાલિમે મારી જિંદગી બદલી નાખી અને મારા જીવનમાં ડિસીપ્લીન અને સેવા ભાવના વધારે પ્રબળ બની હતી.

ડો. પ્રફુલ્લ શિરોયાની જિંદગીની એકત મહત્ત્વની વાત તમારી સાથે શેર કરીશું જે વાંચીને તમને તેમની પર ચોક્કસ ગર્વ થશે. વાત છે 2006ની. તમને યાદ હશે કે વર્ષ 2006માં સુરતમાં ભયંકર પૂર આવ્યું હતું અને ઘણી બધી જગ્યાએ પહેલાં માળ સુધી પૂરના પાણી પહોંચી ગયા હતા.

9 ઓગસ્ટ, 2006ના દિવસે વરાછા વિસ્તારમાં રહેતા જશુબેન માંગુકીયાને ડીલીવરીનો દુ:ખાવો ઉપડ્યો હતો એવો મેસેજ ડો. પ્રફુલ્લ શિરોયાને મળ્યો. તે વખતે કેટલાક  સ્વંયસેવકોએ કહ્યું કે ડોકટર અમે પણ તમારી સાથે આવીશું.

ડૉ. પ્રફુલ્લ શિરોયાએ કહ્યું કે મારી મેડીકલ કીટ તૈયાર કરીને હું મહિલાની મદદ કરવા ઉપડયો, પણ  સ્વંયસેવકો ફસકી પડ્યા હતા. તમે વિચાર કરો કે, જશુબેન માંગુકિયા જે સરિતા સોસાયટીમાં રહેતા હતા ત્યાં સુધી પહોંચવામાં માત્ર અડધો કિ.મી.નું જ અંતર હતું, પરંતુ જમીનથી 20 ફુટ ઉંડા પાણી ભરાયેલા હતા, લગભગ પહેલાં માળ સુધી પૂરના પાણી ફરી વળ્યા હતા.

વળી વચમાં એક ખાડી હતી, તે કેટલી ઉંડી હતી તે ખબર નહોતી. આવા સંજોગોમાં કોઇ પણ વીરનો લાલ મદદ કરવાની હિંમત ન કરે. પરંતુ ડૉ. પ્રફુલ્લ શિરોયાએ આ બીડું ઝડપ્યું. સરિતા સોસાયટી સુધી પહોંચવા માટે એક જાડા દોરડાનો ઉપયોગ કરવામાં આવ્યો. મોતનું પુરુ જોખમ હતું, પરંતુ  ડૉ. પ્રફુલ્લ શિરોયાએ હિંમત કરીને મેડીકલ કીટ સાથે દોરડાનો ઉપયોગ કરીને સરિતા સોસાયટી સુધી પહોંચ્યા અને જશુબેન માંગુકીયાની સફળ ડીલવરી કરી. તે વખતે જશુબેને દીકરીને જન્મ આપ્યો હતો અને એ તેમની બીજી ડીલીવરી હતી.

ડૉ. પ્રફુલ્લ શિરોયાએ જે હિંમત બતાવી તે નાની સુની વાત નથી. કપરાં સંજોગોમાં તેમણે એક મહિલા અને બાળકીની જિંદગી બચાવી. તેમની આ કાબિલેદાદ કામગીરી એક સેનાના જવાન જેવી જ હતી. એ જ દિવસે પાછી સીતારામ સોસાયટીમાં પણ જીવના જોખમે તેમણે બીજી પ્રસૂતિ પણ કરાવી.

ડૉ. પ્રફુલ્લ શિરોયાએ કહ્યું કે એ પછી તો બોટની મદદ મળી અને તે પછી 25 થી 30 મહીલાઓની ડીલીવરી થઇ શકી. તે વખતે પૂરના પાણીમાં માણસો અને પશુઓની લાશો તણાઇને આવતી હતી, એ બધી લાશોને પણ રેડ ક્રોસ સંસ્થાની મદદથી ડીસ્પોસ કરી.

સુરતમાં જયારે પ્લેગ ફાટી નિકળ્યો હતો, ત્યારે ઘણાં બધા લોકો શહેર છોડીને ભાગી ગયા હતાં, પરંતુ ડૉ. પ્રફુલ્લ શિરોયાએ એ સમયે પણ જીવના જોખમે લોકોની મદદ કરી અને કુબેરનગર વિસ્તારમાં લોકોને ટીફીન પહોંચાડવાનું કામ કર્યું હતું.

ડૉ. પ્રફુલ્લ શિરોયાએ હવે જે વાત કરી તે યુવાનોએ ખાસ વાંચવા જેવી છે. તેમણે કહ્યું કે દરેક સોસાયટી, મહોલ્લામાં રહેતા યુવાનોએ જિંદગીમાં નાની-નાની તાલીમ લેવી જોઇએ. એના માટે ડોકટર બનવાની જરૂર નથી કે આર્મીમાં પણ જવાની જરૂર નથી, પણ એવી તાલિમ મેળવીને તમે સાચા અર્થમાં દેશની, શહેરની, સમાજની કે તમારી સોસાયટીની મદદ કરી શકો છો.

તેમણે કહ્યું કે, ધારો કે કોઇ વ્યકિતને અચાનક હાર્ટએટેક આવે તો તમે બેઝિક તાલીમ લીધી હોય તો એ વ્યકિતને હોસ્પિટલ પહોંચવા સુધી તો એટલીસ્ટ બચાવી શકો. દરેક વખતે સરકારી તંત્ર કે પોલીસ તંત્ર તમારી સાથે ન હોય. જ્યારે પણ કોઇ દુર્ઘટના બને ત્યારે ક્વીક રિસ્પોન્સની આવશ્યકતા હોય છે, એવા સમયે તાલીમ તમને કામ આવે છે.

ડૉ. શિરોયાએ કહ્યું કે વરાછા વિસ્તારમાં તક્ષશીલામાં જે અગ્નિકાંડ થયો, તે વખતે દુર્ઘટનામાં ફસાયેલા કે આજુબાજુ જે યુવાનો હતા, તેમણે તાલીમ લીધી હોત તો અનેક જિંદગીઓ બચી શકતે. તેમણે એક અન્ય ઉદાહરણ આપતા કહ્યું હતું કે, તાજેતરમાં ગ્રીષ્મા વેકરીયા નામની યુવતીની ફેનિલ નામના યુવાને જાહેરમાં હત્યા કરી હતી, તે વખતે અનેક લોકો ઘટના સ્થળે હાજર હતા. આવા સમયે જો યુવાનોએ તાલીમ લીધી હોય તો ગ્રીષ્મા વેકરીયાની જિંદગી કદાચ બચાવી શકાતે.

 આપણે શહેરમાં કોઇ પણ મોટી ઘટના- દુર્ઘટના બને ત્યારે ભારે હોબાળો મચાવીએ છીએ, પછી જૈસે-થે થઇ જઇએ છીએ. તેમણે કહ્યું કે, લાંબાગાળાનો ઉકેલ એ છે કે કુદરતી આફત, ઘટના-દુર્ઘટના વખતે જો યુવાનોએ તાલીમ લીધી  હોય તો એ મદદ દેશ સેવા જ છે. આવી તાલીમ NCC, હોમગાર્ડસ કે અનુભવી વ્યક્તિ પાસેથી મેળવી શકાય છે. તમે લીધેલી નાની-નાની તાલીમ દ્વારા  અનેક લોકોની જિંદગીમાં મદદરૂપ થઇ શકો છો.

ડૉ. પ્રફુલ્લ શિરોયાએ 1996માં સુરતમાં લોક દ્રષ્ટિ ચક્ષુ બેંકની સ્થાપના કરી હતી. તેમણે કહ્યું કે જ્યારે હું નાનો હતો ત્યારે માસીની પહેલી ડીલીવરી વખતે એક આંખ ચાલી ગઇ હતી અને બીજી ડીલીવરી વખતે તેમણે બીજી આંખ ગુમાવવાનો વારો આવ્યો હતો. તે વખતે ઉત્તર પ્રદેશના સીતાપુરમાં આંખની એક જાણીતી હોસ્પિટલમાં માસીને લઇ ગયા હતા, તે વખતે સંબંધીઓની સાથે હું પણ ગયો હતો.

તે વખતે ત્યાંના ડોકટરે કહ્યું હતું કે ચક્ષુ દાન મળી શકે, પરંતુ ઓપરેશન કરવું મુશ્કેલ છે. તે વખતે મને વિચાર આવ્યો હતો કે એવા અસંખ્ય લોકો છે જેમને  અંધાપો છે અને તેમને અન્ય કોઇની આંખ મળે તો તેમની જિંદગીમાં પણ રોશની મળી શકે છે.  અત્યાર સુધીમાં લોક ચક્ષુ દ્રષ્ટિ બેંકને 41,000 આંખના દાન મળ્યા છે અને લગભગ 12,000થી વધારે લોકોને રોશની મળી શકી છે.

તેમણે કહ્યું કે જેમણે ચક્ષુ દાન કરવું હોય તેમણે સંમતિ પત્રક આપવું પડે છે. આ એક આંગળી ચિંધવાનું પૂણ્ય છે. વ્યકિતના મોત બાદ 6 કલાક સુધીમાં ચક્ષુ કાઢી લેવા પડે છે, તો જ અન્ય વ્યક્તિને કામ લાગી શકે છે.

 ડૉ. પ્રફુલ્લ શિરોયા લોક દ્રષ્ટિ ચક્ષુ બેંક, રેડક્રોસ બ્લ્ડ બેંક, ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ચોર્યાસીના પ્રમુખ છે અને સુરત જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ છે. ઉપરાંત તેઓ કોર્નિયલ અંધત્વ મુક્ત અભિયાન પ્રોજેકટમાં પશ્ચિમ ભારત વિભાગના કેન્દ્ર શાસિત પ્રદેશના કાર્યવાહક કન્વીનર છે.

તેમને ચક્ષુદાનની કામગીરી કરવા બદલ વર્ષ 2006માં રાષ્ટ્રપતિ ડો. અબ્દુલ કલામના હસ્તે સિલ્વર ડિસ્ક એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. વર્ષ 2014માં તેમને રેડક્રોસની એક્ટિવિટી માનવતા, નિષ્પક્ષતા, તટસ્થતા, સ્વતંત્રતા, એકતા અને  સ્વૈચ્છિક સેવા માટે રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ મળ્યો હતો.

ઉપરાંત 1992થી અત્યાર સુધીના લાંબા સમયગળા સુધી હોમગાર્ડસમાં માનદ્ સેવા કરવા બદલ પણ રાષ્ટ્રપતિ  એવોર્ડનું સન્માન મળ્યું છે. ડૉ. પ્રફુલ્લ શિરોયાને જે એવોર્ડ મળ્યા છે તેની યાદી બહુ લાંબી છે. પરંતુ તેમણે કરેલી કામગીરીની આટલી વાત પરથી જ તમે સમજી શકશો કે તેમની અમૂલ્ય સેવા અનેક યુવાનોની જિંદગીમાં પ્રેરણા બની શકે છે. 58 વર્ષની ઉંમરે પણ હજુ ડૉ. શિરોયા સમાજ સેવા માટે અડધી રાતે પણ દોડતા રહે છે.

ડો. પ્રફુલ્લ શિરોયાએ 1996માં સુરતમાં લોક દ્રષ્ટિ ચક્ષુ બેંકની સ્થાપના કરી હતી. તેમણે કહ્યું કે જયારે હું નાનો હતો ત્યારે માસીની પહેલી ડીલીવરી વખતે એક આંખ ચાલી ગઇ હતી અને બીજી ડીલીવરી વખતે તેમણે બીજી આંખ ગુમાવવાનો વારો આવ્યો હતો. તે વખતે ઉત્તર પ્રદેશના સીતાપુરમાં આંખની એક જાણીતી હોસ્પિટલમાં માસીને લઇ ગયા હતા, તે વખતે સંબંધીઓની સાથે હું પણ ગયો હતો. તે વખતે ત્યાંના ડૉકટરે કહ્યું હતું કે ચક્ષુ દાન મળી શકે, પરંતુ ઓપરેશન કરવું મુશ્કેલ છે. તે વખતે મને વિચાર આવ્યો હતો કે એવા અસંખ્ય લોકો છે, જેમને  અંધાપો છે અને તેમને અન્ય કોઇની આંખ મળે તો તેમની જિંદગીમાં પણ રોશની મળી શકે છે.  અત્યાર સુધીમાં લોક ચક્ષુ દ્રષ્ટિ બેંકને 41,000 આંખના દાન મળ્યા છે અને લગભગ 12,000થી વધારે લોકોને રોશની મળી શકી છે.

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant