તમે સાચા છો, ખોટા છો કે ‘અલગ’ છો?

Happiness-adhi-akshar
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE-SIDDHI-VINAYAK-LASER-FEATURED
  • NAROLA MACHINES

કોઈ આપણાથી જુદુ વિચારે છે! અલગ અનુભવ છે! કાંઈક ભિન્ન સમજે છે! કાંઈ નોખું જાણે છે! કાંઈક અનોખું માને છે! કાંઈ વિશેષ ગમાડે છે! આપણને ન સમજાતી રીતે જીવે છે!

દરેકને લાગે છે કે આ જિંદગી મારી છે, અહીં હું મારી મરજીથી જીવું… પણ જાત-જાતના ઊંચા-ઊંચા, મોટા-મોટા લેબલ મારીને આપણે જે તે માણસને કોમ્પ્રોમાઈઝ કરવા માટે મજબૂર કરી દઈએ છીએ….

આઈન્સ્ટીનના વિશ્વ પ્રસિદ્ધ ક્વોટ્સમાંનું એક ક્વોટ કંઈક આમ છે.
બ્રહ્માંડ અને મૂર્ખતા અનંત છે. છતાં બ્રહ્માંડની અનંતતા વિષે મને પાકી ખાતરી નથી (એનો અર્થ એ કે મૂર્ખતા અનંત છે તે વિશે મને સો ટકાનો ભરોસો છે.)
આઈન્સ્ટીનના ક્વોટ સાથે મને ચેડાં કરવાનું મન થાય છે અને હું કહું છું કે બ્રહ્માંડ અને માણસની અપેક્ષા અનંત છે છતાં બ્રહ્માંડ અનંત છે, તે વિશે હું ખોટી હોઈ શકું પણ માણસની અપેક્ષા અનંત છે તે વિશે મને કોઈ ક્યારેય ખોટી સાબિત કરી શકશે નહિ!
અપેક્ષાઓ ઈચ્છાઓના નવા નવા વેશ ધરીને આવે છે અને એ ઈચ્છાઓ માણસની દાસી નથી, માણસ ઈચ્છાઓને ઈશારે નાચનારા દાસ છે!
આપણે ઈચ્છીએ છીએ, જ્યારે આપણને ઈચ્છા થાય હંસી-મજાક કરવાની, ત્યારે બીજાને પણ મસ્તી ચઢવી જોઈએ. આપણે ચાહીએ છીએ, જ્યારે આપણે ખુશ થઈએ, ત્યારે બીજાઓએ પણ તાળીઓ પાળવી જોઈએ, હર્ષ વ્યક્ત કરવો જોઈએ. આપણે ઝંખીએ છીએ, જ્યારે આપણને પ્રેમ કરવાની ચાનક ઉપડે ત્યારે બીજા પર પણ પ્રેમનું ભૂત ઘૂણવું જોઈએ. આપણે અપેક્ષા રાખીએ છીએ કે આપણને પાર્ટી કરવાનું મન થાય, ત્યારે બીજાઓને પણ થનગનાટ થવો જોઈએ. જ્યારે જ્યારે આપણને પ્રસન્નતાનો પ્યાલો ચઢે, મૌજ-મજાનો ઉન્માદ ચઢે, મસ્તીનો રંગ ચઢે, ગપશપની હિલ્લોર ચઢે ત્યારે બીજાઓનું વીલું મોં પરવડે જ શાનું?
આ વાત વધતા વધતા ઝનૂન પકડે છે. મને ગમતા ખાન-પાન, મારા અવસર-તહેવાર, મારા ધર્મ-સંસ્કાર, મારા આચાર-વિચાર, મારી સભ્યતા-સંસ્કૃતિની તમામ વણઝાર જે રીતે મને ગમે તે રીતે બધાને ગમવી જ જોઈએ અને માત્ર ને માત્ર તે જ ગમવી જોઈએ. કારણ કે મારી તો પસંદ વર્લ્ડ બેસ્ટ છે! મારી જીવનશૈલી તો ટોપ ઓફ ધ વર્લ્ડ જ હોય ને!, મારી જીવવાની રીત-રસમોથી ચઢિયાતું કંઈ હોઈ જ કેવી રીતે શકે!
જે લોકો આપણને નથી ગમતા એ લોકમાં શું એવું છે જે આપણને નથી ગમતું?! એ જ ને કે તેઓ આપણા જેવા નથી, આપણાથી અલગ છે?!
કોઈ આપણાથી જુદુ વિચારે છે! અલગ અનુભવ છે! કાંઈક ભિન્ન સમજે છે! કાંઈ નોખું જાણે છે! કાંઈક અનોખું માને છે! કાંઈ વિશેષ ગમાડે છે! આપણને ન સમજાતી રીતે જીવે છે! આપણને જે ન સમજાય, આપણને જે ન અનુભવાય, આપણાથી જે કળી ન શકાય, આપણાથી જે જાણી કે માની ન શકાય, આપણાથી જે વિચારી ન શકાય કે કલ્પના ન કરી શકાય… શું એ બધુ ખોટું જ હોય?! ખરાબ જ હોય?! નકામું જ હોય?! અયોગ્ય જ હોય?! નાખી દેવાનું જ હોય?! રીડીક્યુલસ જ હોય?! થર્ડ ક્લાસ જ હોય?! નકારાત્મક જ હોય?! ફાલતું જ હોય?! બકવાસ જ હોય?!
આપણને મોટાભાગના લોકોને બે કોન્સેપ્ટ જ ખબર છે કાં કંઈક સાચું છે, ને કાં કંઈક ખોટું છે પણ કંઈક જુદું છે. સમથિંગ ડિફરન્ટ! અને જે ‘ડિફરન્સ’ છે તે આપણાથી ‘અલગ” છે તે સાચું, સારું, સરસ, શ્રેયકર, શ્રેષ્ઠ ન હોઈ શકે?! ખાવાપીવાથી માંડી પહેરવા-ઓઢવા સુધી, હર્ષ-શોક વ્યક્ત કરવાથી માંડી જન્મ-મૃત્યુ-વિવાહ વગેરેના અનેકવિધ સંસ્કાર સુધી દરેક સમાજ એકબીજાથી જુદો હોવાનો!
આપણાથી કેટલા લોકો માણસની વ્યક્તિગત વિશેષતાઓને અને લાક્ષણિકતાઓને ઉદાર હૃદયથી સ્વીકારી શકે છે. સ્વીકારી શકીએ તો સાચી પ્રશંસા કરી શકીએ. અને તો જ તે ભિન્નતાનું ખુલ્લા દિલથી સન્માન કરી શકીએ.
કોઈ માણસ બીજાની ઈચ્છાનો ગુલામ નથી કે બીજો ધારે તેમ તેણે કઠપૂતળી બનીને રહેવું જોઈએ. આપણને કોઈ કઠપૂતળી થવા મજબૂર કરે તો?! આપણે કઠપૂતળી તરીકે જીવી શકીએ? અને કેટલા માટે કઠપૂતળી બની શકાય? અહીં તો બધા જ જુદી જુદી અપેક્ષા રાખનારા છે!
દરેક માણસને લાગે છે કે આ જિંદગી મારી છે, અહીં હું મારી મરજીથી જીવું… પણ જાત-જાતના ઊંચા-ઊંચા, મોટા-મોટા લેબલ મારીને આપણે જે તે માણસને કોમ્પ્રોમાઈઝ કરવા માટે મજબૂર કરી દઈએ છીએ.
કહેવાતી પ્રતિષ્ઠાના નામે માણસ જાહેરમાં રોકડું હસી નથી શકતો! નાચી નથી શકતો! વરસાદમાં નાહી નથી શકતો! ચાંદને જોઈ ગીત લલકારી નથી શકતો! કારણ કે આવું બધા નથી કરતા, કો’ક કરે તો કેવું લાગે?! નિંદા થાય!! લોકો લફરેબાજનું લેબલ લગાડે, તે છોગામાં!!!
કોઈ ફોન કર્યા વગર, અપોઈન્ટમેન્ટ લીધા વગર, અગાઉથી કોઈ રીતે જાણ કર્યા વગર પરાણે કોઈ આવી ચડે તો ગૃહસ્થથી કહેવાય કે આમ અચાનક આવી ચડશો મા! કારણ કે આ મારા આરામનો સમય છે કે સ્ટડીનો સમય છે કે નિયત કરેલા કામનો સમય છે કે મારી પોતાની સાથે વખત વિતાવવાનો સમય છે! ના છૂટકે અાગતા-સ્વાગતા કરવી પડે! શું કરીએ, મહાન પરંપરા! અતિથિ દેવો ભવઃ ભાઈ!
બધા જ કરે છે એટલે આપણે સારું લગાડવાનો વાટકી વ્યવહાર રાખવાનો!
લગ્નમાં વાટકી વહેવાર! ખરખરામાં વાટકી વહેવાર! બિમારના ખબર-અંતર પૂછવા – વાટકી વ્યવહાર! પ્રસંગોમાં મહાલવું – વાટકી વ્યવહાર! ગુણલાં ગાવા – વાટકી વ્યવહાર! માણસોના ઈગોને પેમ્પર કરવો – વાટકી વ્યવહાર! હા માં હા મિલાવવી – વાટકી વ્યવહાર!
બંને પક્ષ વાટકી વ્યવહારે ગણતરીપૂર્વક કરવા, એક છટકે કે બીજાને બહાનું મળી ગયું, સમજો! અહીં તો આપણે એ બધુ કરવાનું જેની લોકો, ધર્મ, સમાજ, નીતિ અપેક્ષા રાખે બીજાઓ પણ એવો જ વાટકી વહેવાર કરવાનો! શું કામ એમ કરવાનું? કારણ કે આપણે નોખા ન તરી આવીએ એટલે! કોઈપણ વિષય પ્રત્યે આપણી વ્યાખ્યા કે આપણો અભિપ્રાય સરેરાશ લોકો કરતા જુદો હોય તો ટૂંકમાં સહન કરવાની તૈયારી રાખવાની! જેટલો વધુ અલગ-ભિન્ન-જુદો-નોખો આપણો મત તેટલું વધારે ટીંચાવાની તૈયારી રાખવાની!
…અને સહન કરવાની, ખમવાની તૈયારી ન હોય તો લોકો સામે બધી વાતે ‘યસ સર’ કહેવાની, જી હજૂરી શીખવાની, બાકી પછી જે ફાવે ને જે સૂઝે એ કરવાનું! તેનું નામ પાડ્યું સમાજ નામની ફૈબાએ ‘દંભ’, ને એવા મનુષ્યો કહેવાય ‘દંભી!’
દંભીને જન્મ કોણે આપ્યો? શ… શ… શ… શ… એમ ન પૂછાય! વાટકી-વ્યવહાર ખોરવાઈ જાય!

વિસામો

મને મારા કે અન્યોના જે કેટલાક જુમલા ગમે છે, તેમાંનું એક મારું વાક્ય છે :
સાચું બોલવામાં છપ્પનની છાતી નથી જોઈતી, સાચું સાંભળવામાં હિંમત જોઈએ છે કારણ કે સાંભળનારને સાચું પચશે જ તેની કોઈ ગેરંટી નથી!
- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant